ઉનામાં જ્ઞાનભક્તિસંસ્કારની ત્રિવેણી સ્વામિનારાયણ ગુરુકુલનો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ સંપન્ન

સંત દેવકૃષ્ણદાસજી સ્વામીના કરકમલે મંગલ ઉદ્ઘાટન, સાંસદ-ધારાસભ્ય સહિત સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ

જ્યાં વેદ-ઉપનિષદની ઋચાઓનું ગુંજન થશે, જ્યાં સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાનો દિવ્ય સંગમ સધાશે, એવી પુણ્યભૂમિ ઉના નગરીમાં શિક્ષણરૂપી મહાયજ્ઞનો ભવ્ય આરંભ થયો. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા ઉના ગુરુકુલ નો દિવ્ય ઉદ્ઘાટન મહોત્સવ ગીરગઢડા રોડ પર રવિવારની સંધ્યાએ સંતગુણવિભૂષિત, સાધુતામૂર્તિ પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના પાવન કરકમલો દ્વારા સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના પ્રવર્તનીયા સદ્વિદ્યા ના દિવ્ય સંદેશને સાકાર કરતા, સદ્વિદ્યા-સદ્ધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાના ત્રિવેણી સંગમરૂપ ગુરુકુલ પરંપરાથી લાખો વિદ્યાર્થીઓને ધર્મ-ભક્તિ સહ સંસ્કારમય જીવન દ્વારા વિશ્વમાં આદર્શ નાગરિક તરીકે પ્રસ્થાપિત કર્યા છે. તે જ ગુણાતીત પરંપરાને વહન કરતા દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા અને સદ્ગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામીની કાર્યશીલતાથી નાઘેર-બાબરીયાવાડ પ્રદેશમાં આ વિદ્યાધામનું નિર્માણ થયું છે.
આ મંગલ અવસરે પૂજ્યપાદ સદ્ગુરુ જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી, રામાનુજદાસજી સ્વામી, કેશવજીવનદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, સ્વામી માધવપ્રસાદ સહિત દેશભરના 20થી વધુ પૂજનીય સંતો અને 40 ગ્રામ્ય વિસ્તારોના સંતોની પાવન ઉપસ્થિતિએ ઉત્સવને અલૌકિક દિવ્યતાઅર્પી. વિશેષ અતિથિ તરીકે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકેશ ભાઈ દોમડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર સહિત અનેક રાજકીય, સામાજિક અને સંસ્થા ના નિર્માણ દાતા શૈક્ષણિક અગ્રણીઓ ઉપસ્થિત રહી આ શૈક્ષણિક યજ્ઞના સાક્ષી બન્યા. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, અધ્યતન શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ટેકનોલોજીનું સિંચન આપતી ગુરુકુળ સંસ્થા સમાજ માટે ઉત્તમ કાર્ય કરી રહી છે. શિક્ષણ સાથે સંસ્કાર આપતી આ શાળાનું સદ્ભાવપૂર્વક સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમારું પરમ ભાગ્ય છે. હરી ગ્રુપ, સુરતના અશ્વિનભાઈ, રાકેશભાઈ, હિરેનભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરીયા, દ્વારકેશ ભાઈ આકોલીયા સહિત ઉના, અમદાવાદ, સુરત, ગોંડલ, ભરૂચના અનેક હરિભક્તોએ આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સેવાનો અવસર ઝડપ્યો તેમનું સન્માન કર્યું હતું ઉદ્ઘાટન પૂર્વે પંચદિવસીય કાર્યક્રમો યોજાયા જેમાં ભક્તચિંતામણિ મહાયજ્ઞ, ગુરુદેવના વધામણા, પૂજનોત્સવ અભિષેક, નૂતન ગુરુકુલ ઉદ્ઘાટન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા સેવાકીય કાર્યોનું આયોજન થયું. સ્વાગત, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા.
પ્રાસંગિક પ્રવચનમાં સંતોએ જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાન સ્વયં ઉના પધારેલા અને આ પવિત્ર ભૂમિ પર તેમના દર્શન થયા હતા. આ ભૂમિ પર હવે સદાનંદ ધામ બન્યું છે. બાળકો અહીં સંસ્કારી અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવીપોતાનીકારકિર્દીબનાવે, ભગવાનની ભક્તિ સાથે સંકલન સાધી જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના છે. આ ગુરુકુલ માત્ર ઈંટ-સિમેન્ટનું માળખું નથી, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે આત્મ ગૌરવ અર્પણ કરનારી વૈદિક ગુરુકુલ સંસ્કૃતિનું જીવંત ધામ છે. 11 શિખરના મંદિરનું નિર્માણ કરી આધ્યાત્મિક શિક્ષણ સાથે કાર્ય કરવામાં આવશે. સવા લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ શૈક્ષણિક ધામમાં મંદિરની સાથે બાળકો ના શિક્ષણ, પોષણ અને મહિલા-વૃદ્ધોનીસેવાનીસુવિધા પણ ઉપલબ્ધ થશે. ભારતને સારા નાગરિકોની જરૂર છે. લાખો વિદ્યાર્થી ઓનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ગુરુકુળો કરી રહ્યા છે. માતા-પિતા શરીર આપે છે, જ્યારે ગુરુઓ જ્ઞાન થકી જીવતરનું ઘડતર કરે છે. માણસને સાચી રાહ સાધુ-સંતો જ બતાવે છે. સ્વ. રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને સ્વ. કેશુભાઈ પટેલને યાદ કરી સંતોએ જણાવ્યું કે ગુરુકુળ પાયામાં સંસ્કાર રેડવાનું કાર્ય કરે છે. ભૌગોલિક સુવિધાઓથી સજ્જ આ સ્કૂલ માં તમામ ક્ષેત્રે બાળકોને ઉત્તમ શિક્ષણ અપાશે સાધુ હરિવદનદાસ અને સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારે આ અણમોલ મંગલ અવસરે પધારેલા સ્નેહીજનો, ભક્તજનો અને શિક્ષણપ્રેમી નાગરિકોનું સ્વાગત-સન્માન કરી આભાર વ્યક્ત કર્યો. આ વિદ્યાધામ નાઘેર-બાબરીયાવાડ પ્રદેશના બાળકો માટે જ્ઞાન-દીપ સમાન પુરવાર થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી.

રિલેટેડ ન્યૂઝ