શહેરની ગ્રાન્ટેડ શાળા થઈ વિદ્યાર્થીઓથી ઓવરફ્લો!: રાહત દરેક શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળામાં તમામ ધોરણ થયા હાઉસફુલ: પ્રિન્સિપાલ અને શિક્ષકોની ટીમવર્કની જહેમત રંગ લાવી
પોરબંદરની નવયુગ વિદ્યાલયમાં તમામ વર્ગો હાઉસફુલ થયા છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવાના અભિયાનને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની ટીમ છેલ્લા ચાર વર્ષોથી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે સમગ્ર જિલ્લાની શાળાઓમાં કાઉન્સેલિંગ સેમિનારો તથા મેગા સાયન્સ ક્વિઝ જેવા વિજ્ઞાન જાગૃતિના કાર્યક્રમો યોજી રહી છે.ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં સરકાર દ્વારા મળતી સ્કોલરશીપની રકમમાંથી જ વિદ્યાર્થીઓને ગુજકેટ-જેઈઈ-નીટનું શિક્ષણ અને એ માટે ઉચ્ચકક્ષાનું મટીરીયલ પણ આપવામાં આવે છે. જેના કારણે મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ કે જેને લાખો રૂપિયાની પ્રાઇવેટ શાળાઓની ફી પોસાતી નથી તે વાલીઓ પોતાના સંતાનોને અંગત ખર્ચ વિના નવયુગ વિદ્યાલયમાં ઉચ્ચકક્ષાનું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અપાવી શકે છે.આ વર્ષે જિલ્લા બહારથી જેતપુર, દ્વારકા, ભાયાવદર, જુનાગઢ, વેરાવળ જેવા દૂર દૂરના શહેરોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ મેળવેલ છે. ઓનલાઇન પરિણામ આવતા જ વિદ્યાર્થીઓએ પોતાના નામ ધો-11 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાવવાની શરૂઆત કરી દીધી હતી. 65 વિદ્યાર્થીઓની વર્ગ સંખ્યા પૂર્ણ થતા શાળામાં ધો-11 વિજ્ઞાન પ્રવાહમાંનો એડમિશનનો બોર્ડ લગાવીને વધુ વિગતો આપતા આચાર્યએ જણાવ્યું કે, આ વર્ષે કુલ 65 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થી 90% ઉપર,23 વિદ્યાર્થીઓ 80% ઉપર અને 21 વિદ્યાર્થીઓ ધો-10 માં 70% ઉપરની ઊંચી ટકાવારી ધરાવે છે. શાળાના વિજ્ઞાનપ્રવાહ વિભાગમાં ત્રણેય વિજ્ઞાનની અદ્યતન પ્રયોગ શાળાઓ, સેન્ટ્રલ એ.સી. કોમ્પ્યુટર લેબ સાથે પરિણામલક્ષી શિક્ષણ સાથે રોજે રોજ કસોટીઓ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પાસે પૂરી મહેનત કરાવીને એકસ્ટ્રા વર્ગો પણ લેવામાં આવે છે. વિજ્ઞાનભવનનું50 લાખના ખર્ચે નવીનીકરણ ટૂંક સમયમાં પૂર્ણ થતા તમામ વિદ્યાર્થીઓને અદ્યતન નવા બનેલા મકાનમાં શિક્ષણ અને આધુનિક પ્રયોગશાળાઓમાં પ્રાયોગિક કાર્ય પણ કરાવવામાં આવે છે. ધો-11 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ધો-9 તથા 10 માં પણ નિયત વર્ગોના વિદ્યાર્થી સંખ્યાના પ્રવેશ પૂર્ણ થઈ ગયા છે.વર્તમાન સમયમાં પ્રાઇવેટ શાળાઓની વધતી સંખ્યામાં પણ કવિ શ્રી દેવજી રા. મોઢા સ્થાપિત આ શાળામાં સ્થાપકના મૂલ્યો અને શિક્ષણ જાગૃતિના વિચારોને આધારે નિષ્ઠાવાન શિક્ષકોની ટીમ કાર્યરત છે શાળાના આ અનેરી સિદ્ધિને પ્રાપ્ત કરવા બદલ નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ લખમણભાઇ ઓડેદરા તથા હોદ્દેદારો અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 ના પ્રમુખ ડો. ઉષાબેન દેકીવાડીયાએ તથા તમામ હોદ્દેદારોએ શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિત અને સમગ્ર સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યા હતા.
