વડિયામાં પાણીની વિકટ પરિસ્થિતિ: જીવાદોરી સમાન સુરવો ડેમ અને ચેકડેમોના તળિયા દેખાતા સંકટ છવાયું

ગામમાં વાસવાટ કરતા સ્થાનિકો,પશુપાલકો અને ખેડૂતો પર મંડરાઈ રહ્યું છે પાણીનું સંકટ

સમગ્ર રાજ્યમાં ચોમાસુ 15જૂન થી બેસી ચૂક્યું છે ત્યારે તેના 15 દિવસ વિતવા છતાં પણ વરસાદના કોઈ નકોર એંધાણ દેખાતા નથી. બીજી બાજુ ભારે તાપ થી ગરમીનો પારો સતત વધતા નદી નાળામાં આવેલાં ચેકડેમો માં રહેલા પાણી પણ સુકાઈ ચુક્યા છે ત્યારે કુવાઓ અને બોર માં પાણી પણ ડુકતાં જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની જીવાદોરી સમાન સુરવો નદી અને સુરવો ડેમ પાણીનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે.
સુરવો ડેમ ગત વર્ષના અધૂરા રીપેરીંગ કામને કારણે આ વર્ષે ખાલી કરવામા આવતા ડેમમાં પાણી તળિયા ઝાટક ખાલી જોવા મળી રહ્યું છે. તો સુરવો નદીના ચેકડેમ ભારે તાપ ના હિસાબે ખાલી થઇ ચુક્યા છે ત્યારે વડિયા ના લોકો માટે પીવાના પાણીની વિકટ સમસ્યાનુ ટૂંકાગાળામાં સર્જન થાય તેવી સ્થિતિ સામે આવતી જોવા મળી રહી છે.
હાલ વડિયામાં પીવાના અને વપરાશના પાણીના સ્થાનિક સ્ત્રોત પૂર્ણ થઇ રહ્યા છે અને ફક્ત નર્મદાના પાણી પર આધાર રાખવાની નોબત આવી છે. ત્યારે મોટી વસ્તી ધરાવતા વડિયા ગામમાં નર્મદાના પાણીથી પૂરતા પ્રમાણ માં પાણી વિતરણ શક્ય ના હોવાથી ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવાની ફરજ પડે એમ છે. તો જે ખેડૂતો એ ચેકડેમોમાં પાણી હોવાથી ખેતરોના કુવાઓમાં પાણી હોવાથી આગતરું વાવેતર કરી દીધું છે તેના કુવાઓમાં પણ પાણીના તળ ખૂટતા હાલ આગતરું વાવેતર કરનાર ખેડૂતોની પરિસ્થિતિ ખુબ જ વિકટ બનતી જાય છે સાથે વડિયામાં માલધારી વસ્તી હોવાના કારણે પશુ પાલનનો વ્યવસાય કરતા પશુ પાલકો અને ગૌશાળાઓ માં પણ પશુઓના પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે.
જો ચાર પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે તો વડિયામાં પાણી માટે યુદ્ધ જેવી સ્થિતિનુ નિર્માણ થઇ શકે છે.ત્યારે વડિયા વિસ્તાર ના ધારાસભ્ય સરકાર માં રાજ્ય કક્ષાના મંત્રી છે એટલે “મોસાળે જમણવાર અને માં પીરસણી ” હોવાથી સરકાર માં પ્રતિનિધિત્વ ધરાવતા વિસ્તાર માં કોઈ પણ સમસ્યા આવે તેને ઉકેલવી સરળ બની શકે છે ત્યારે આ ઉભી થયેલી પાણીની વિકટ સમસ્યા ના ઉકેલ માટે રામપુર સ્થિત આવેલાં સૌની યોજનાના વાલ્વ મારફત નર્મદાનું પાણી છોડી ને સુરવો નદીમાં વહાવી રસ્તામાં આવતા ચેકડેમો ભરી વડિયાના સુરવો ડેમને ભરી તે પાણી સુરવો નદીમાં છોડવામાં આવે તો વડિયા વિસ્તાર ના પાણીના તળ ઉંચા આવી શકે અને પાણીની વિકટ પરિસ્થિતીને નિવારી શકાય એમ છે.
આ વિકટ પરિસ્થિતી નો ઉકેલ એ સૌની યોજના થી સુરવો ડેમ ભરી અને સુરવો નદીમાં પાણી છોડવા થી છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના મંત્રી કૌશિક વેકરીયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ પાસે રજુવાત કરી આ બાબતે ગંભીર વિચારણા કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી વડિયાના સરપંચ મનીષ ઢોલરીયા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. જો સુરવો ડેમને નર્મદાના પાણીથી ભરવામાં નહિ આવે તો આવનાર ટૂંકા સમય માં વડિયામાં પીવાના અને વપરાશના પાણીની વિકરાળ સ્થિતિ ઉભી થશે.

વરસાદ ખેંચાતા બગસરામાં પીવાના પાણીની તંગીથી પ્રજા પરેશાન
વધારાનું પાણી આપવા માટે સરપંચની ધારાસભ્યને રજૂઆત

બગસરા શહેરમા એરિયા પ્રમાણે રેગ્યુલર એકાતરા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતું પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પાણી વિતરણ દર ત્રણ દિવસે કરવામાં આવતા તેમજ પીવાના પાણીના સ્ત્રોતોમાં ઘટાડો થઈ જતા તેમજ મહીનું પાણી બંધ થઈ જવાના લીધે બગસરા શહેરના લોકો પાણી વગર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે અને 4.5 એમ એલ ડી ની જરૂરિયાત છે ત્યારે શહેરમાં 1.5 એમ એલ ડી પાણી આપવામાં આવે છે તો શહેરમાં પાણી કેવી રીતે પુરૂ પાડી શકે જયારે શહેરમાં પાણી માટે બીજો સ્ત્રોત મૂંજીયાસાર ડેમ છે પરંતુ હાલમાં આ ડેમામાં પણ ફક્ત 4 ફૂટ પાણી છે તો બગસરા શહેરને મહીં માંથી 4.5 એમ એલ ડી પાણી ફાળવવામાં આવે તો જ શહેરમાં પૂરતું પાણી મળી રહે જયારે હાલમાં પાલિકા દ્વારા અમુક વિસ્તારમાં પાણીના ટાકા આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે પાણી પુરવઠાના પાલિકાના ચેરમેન સંગીતાબેન જાદવ સતત મહેનત કરીને શહેરમાં પાણી લોકોને ઘરે ઘરે પહોંચે તેવાં પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ઉપરથી જ પાણી પૂરતું ના મળવાથી શહેરમાં પાણી માટે ઉહાપો મચી ગયો છે જયારે આ બાબતે બગસરા નગર પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાએ ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિત ઉચ્ચ સ્તરે લેખીતમા રજૂઆત કરી બગસરા ઉપર જળ સંકટ નિવારવા માટે અમોને 4.5 એમ એલ ડી પાણી આપવામાં આવે જેથી હાલમાં પડી રહેલી હાલાકીને અમો સોલ્વ કરી શકીયે અને વરસાદ ખેંચાતા શહેરમાં આવી પડેલ પાણી સંકટને લીધે લોકોને પડી રહેલ હાલાકી સામનો કરવો ના પડે.

રિલેટેડ ન્યૂઝ