આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં ઝટકાજનક હારનો સામનો કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ પરાજયની સીધી અસર આઈસીસી (ICC) રેન્કિંગ પર પડી છે. જોકે, ટીમ ઈન્ડિયા હજુ પણ વિશ્વની નંબર વન T20 ટીમ બનેલી છે, પરંતુ તેના રેટિંગ પોઈન્ટ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો આગામી સમયમાં પણ આવું જ પ્રદર્શન રહ્યું, તો ભારતે તેનું ટોચનું સ્થાન ગુમાવવું પડી શકે છે.
આયર્લેન્ડ સામેની હારથી રેટિંગ પોઈન્ટ્સ ધોવાયા
સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમ ૨૭૫ રેટિંગ પોઈન્ટ્સ સાથે મજબૂત સ્થિતિમાં નંબર વન પર હતી. પરંતુ નબળી ગણાતી આયર્લેન્ડની ટીમ સામે સતત બે મેચ હારવાના કારણે ભારતના રેટિંગ પોઈન્ટ્સ ઘટીને ૨૭૨ થઈ ગયા છે. આ બે હારના લીધે ટીમે મહત્વના ૩ રેટિંગ પોઈન્ટ્સ ગુમાવ્યા છે, જેના કારણે નંબર ૧ અને નંબર ૨ ની ટીમો વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે માત્ર ૧૦ પોઈન્ટનું અંતર
હાલમાં ICC T20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૬૨ રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. એટલે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે માત્ર ૧૦ રેટિંગ પોઈન્ટ્સનો જ તફાવત રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભારતની આગામી T20 સિરીઝ ઇંગ્લેન્ડ સામે જ રમાવાની છે. ૫ મેચોની આ રોમાંચક સિરીઝ ૧ જુલાઈથી શરૂ થઈ રહી છે, જ્યાં રેન્કિંગની ટોચની બે ટીમો આમને-સામને ટકરાશે. જો આ સિરીઝમાં ભારતીય ટીમ ફ્લોપ રહી, તો મોટો ઉલટફેર જોવા મળી શકે છે.
નંબર-1 ની ખુરશી બચાવવા ભારત માટે આગામી સિરીઝ કરો યા મરો
જો ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતનો પરાજય થાય છે, તો ભારતની નંબર-૧ ની ખુરશી છીનવાઈ જશે અને ઇંગ્લેન્ડ ટોચ પર પહોંચી જશે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬૦ રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને ટાંપીને બેઠી છે. જો ઇંગ્લેન્ડ હારશે તો ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને આવી જશે. આ સમીકરણો જોતા ૧ જુલાઈથી શરૂ થઈ રહેલી ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ બંને ટીમોના રેન્કિંગ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
