માતૃછાયા પ્રાથમિક શાળા ખાતે ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ માતૃછાયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
જવેરબેન જેઠાલાલ હાથી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા સમાજોપયોગી અને શિક્ષણલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર સ્થિત માતૃછાયા પ્રાથમિક શાળા, રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 500 નંગ ફુલસ્કેપ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા તથા ટ્રસ્ટી જયેશભાઈ મહેન્દ્રભાઈ જોગીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસને પ્રોત્સાહન આપવાનો તેમજ શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો હતો.નોટબુક વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો અને શિક્ષકગણે ટ્રસ્ટની આ સેવાભાવી પહેલને હૃદયપૂર્વક બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના શિક્ષણમાં મહત્વપૂર્ણ સહયોગરૂપ સાબિત થાય છે. જવેરબેન જેઠાલાલ હાથી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
