રૂા.8.79નો મુદામાલ કબ્જે કર્યો
મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, કાર ચાલક રાત્રિના અંધકારનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જયારે મોરબીમાંથી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો હતો અને રૂા. 8.79 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમને બાતમી મળી હતી કે સફેદ રંગની ક્રેટા કાર (રજિસ્ટ્રેશન નં. ૠઉં-01-છઢ-9981)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી વાલાસણ તરફ લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે વાલાસણ ગામ નજીક રોડ પર વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે વાહન ઉભું રાખવાને બદલે પૂરઝડપે દોડી કોટડા-નાયાણી ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ ટીમે સરકારી વાહન સાથે ફિલ્મી અંદાજમાં પીછો શરૂ કર્યો હતો.પીછા દરમિયાન કાર ચાલકે કોટડા-નાયાણી રોડ પર નદીના પટ્ટ વિસ્તારમાં કાર મૂકીને રાત્રિના અંધકારનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની કુલ 836 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3.10 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ક્રેટા કાર અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 8.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે ફરાર કાર ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સીપાઈ શેરી વાણંદ સમાજની વાડી નજીક જાગૃતિ બ્યુટી પાર્લર સામે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એકટીવા રજી. જીજે-36-જે-7863ના ચાલકને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન એકટીવામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180એમએલ.ની કુલ 154 બોટલ કિ.રૂ.19,250/-મળી આવી હતી. આ સાથે આરોપી સીદીકભાઈ ઈસ્માઈલભાઈ ચાનીયા 54 રહે. વાઘપરા શેરી નં.12 મોરબી વાળાની અટક કરી હતી, જ્યારે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર મકરાણીવાસ મોરબી અને ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક વાવડી રોડ જનકનગર મોરબી વાળા પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ તથા એકટીવા સહિત કુલ રૂ.69,250/-નો મુદ્દામાલ કબ્જે લઈ હાજર નહિ મળી આવે અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
