તા. 14 થી 16 ત્રિદિવસીય રથયાત્રા, જળયાત્રા, મહાપ્રસાદ અને પહિંદ વિધિનું આયોજન
જૂનાગઢના ગંધ્રપ ફળીયા ખાતેથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા યોજાશે, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વાજતે ગાજતે નગરચર્યા એ નીકળશે, તે પૂર્વે જગન્નાથ મંદિરે તા. 14 થી 16 ત્રિદિવસીય જળયાત્રા, મહાપ્રસાદ, પહિંદ વિધિ સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ માટેની તડામાર તૈયારીઓ છેલ્લા એક પખવાડિયાથી ચાલી રહી છે.
જૂનાગઢના ગંધ્રપ ફળીયા ખાતે આવેલા 200 વર્ષથી પણ વધુ પ્રાચીન એવા ભગવાન જગન્નાથજી મંદિરેથી સોરઠીયા વાણંદ જ્ઞાતિના નેજા હેઠળ જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તા. 16 મીએ અષાઢી બીજના પાવન પવિત્ર દિવસે પરંપરાગત રીતે આ વર્ષે 22 મી રથયાત્રા રીતે નીકળશે. ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રાજીનો રથ ભક્તો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે, જ્યારે ભાઈ બલભદ્રજીનો ઘોડાવાળા રથમાં અગ્રેસર રહેશે. આ રથયાત્રામાં બેન્ડવાજા, ધૂન મંડળો. અને વિવિધ ફ્લોટ્સ સાથે હજારો ભક્તો જોડાશે. આ રથયાત્રા શ્રી જગન્નાથજી મંદિર (ગંધ્રપ ફળીયા) થી પ્રસ્થાન થઈ હાટકેશ્વર મંદિર, જવાહર રોડ, લીમડા ચોક, સેજનો ઓટો, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક, સ્વામી ચોક, ભીડભંજન મહાદેવ થઈ પરત નિજ મંદિર આવી સંપન્ન થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે 8 કલાકે ખરડેશ્વર વાડી (વાંઝાવાડ) ખાતે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સાથે આગામી તા. 14 થી 16 જુલાઈ સુધી ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 14 ના રોજ સાંજે 5 કલાકે શ્રી ખરડેશ્વર વાડીથી જળયાત્રા અને વાછાબ, તા. 15ના સવારે 8 થી 4 શ્રી વિષ્ણુયાગ યજ્ઞ, સાંજે 7 થી 9 શ્રી સત્યનારાયણજીની કથા અને પ્રસાદ, તા 16 ના સવારે 7 કલાકે ભગવાનનું શાહી સ્નાન, શણગાર, ભોગ અને મહાઆરતી, બપોરે 3:30 કલાકે પહિંદ વિધિ બાદ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન અને રાત્રે 8 કલાકે નિજ મંદિરે પરત ફર્યા બાદ આરતી અને મહાપ્રસાદનું ભાવિકો માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્યાતિ ભવ્ય આયોજન માટે ટ્રસ્ટી બિપિન ભટ્ટી, રાજેન્દ્ર ચુડાસમા, ધનશુખ , ભદ્રેશ પરમાર, પાર્થ ભટ્ટી, વિજય ચુડાસમા, મનસુખ વાજા, જયેશ કુબાવત, સંદીપભાઈ પેથાણી, આવળ ખટાણા, સંજય કામડીયા, રાજુભાઈ સહિતના ટ્રસ્ટીઓ તથા ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
