રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘની માંગણી
સમજાવટ છતાં મા-બાપ બાળકને શાળાએ ન મોકલે તો શિક્ષકોને કારણદર્શક નોટિસ અન્યાયી : શિક્ષક સંઘ
રાજ્ય સરકાર દ્વારા “Back to School”” અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શાળામાં પુન:પ્રવેશ અપાવવાની કામગીરી શાળાઓને સોંપવામાં આવેલ છે. સરકારના સૂચનાનુસાર શાળા અને શિક્ષકો દ્વારા આ કામગીરીને સર્વોપરી ગણીને ઘર-ઘર મુલાકાત, વાલીઓ સાથે બેઠક, સમજાવટ અને સતત અનુસરણ જેવા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહ્યા છે.
પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન અલગ છે. અનેક કિસ્સાઓમાં વાલીઓ પોતાના બાળકને શાળામાં મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. કેટલાક પરિવારો રોજગારી અર્થે અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ મજૂરી, ખેતી અથવા અન્ય કામમાં જોડાયેલા છે. જ્યારે કેટલાક વાલીઓ શિક્ષકો સાથે સહકાર પણ આપતા નથી. તેમ છતાં શિક્ષકો દ્વારા વારંવાર એ જ વિદ્યાર્થીઓના ઘરે જઈને સર્વે કરવો, મુલાકાત કરવી અને અહેવાલો તૈયાર કરવાની ફરજ પાડવામાં આવે છે.
આ પુનરાવર્તિત અને બિનઉત્પાદક વહીવટી કામગીરીને કારણે શાળાઓમાં શિક્ષણકાર્યને ભારે નુકસાન થઈ રહ્યું છે. શિક્ષકોનો મોટાભાગનો સમય વર્ગખંડને બદલે સર્વે, ફોર્મ ભરવા અને અહેવાલો તૈયાર કરવામાં જાય છે. જેના પરિણામે વિદ્યાર્થીઓના નિયમિત અધ્યયન, શૈક્ષણિક આયોજન, મૂલ્યાંકન અને ગુણવત્તાસભર પ્રવૃત્તિઓ પર સીધી વિપરીત અસર પડી રહી છે. શિક્ષકો પોતાનું મુખ્ય કાર્ય એટલે કે ભણાવવાનું કાર્ય પૂરતા સમય સાથે કરી શકતા નથી.
વધુમાં, શિક્ષણ તંત્ર દ્વારા રાજુલા તાલુકામાં તા. 06/07/2026 ના પત્રના સંદર્ભમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા બાબતે શાળાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં 3 દિવસમાં ખુલાસો અને કરેલી કામગીરીનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. શિક્ષક સંઘ આ પ્રકારની નોટિસથી ગંભીર નારાજગી વ્યક્ત કરે છે. છઝઊ અભિં 2009 અને ગુજરાત છઝઊ છીહયત 2012 મુજબ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે. શિક્ષક માત્ર પ્રયત્ન અને સમજાવટ કરી શકે. વાલી જો બાળકને ન મોકલે તો તેના માટે શિક્ષકને એકલાને જવાબદાર ઠેરવો અને શિક્ષાત્મક કાર્યવાહીની ધમકી આપવી એ તદ્દન અયોગ્ય અને અમાનવીય છે.
સરકારને નમ્ર વિનંતી છે કે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના સર્વે અને પુન:પ્રવેશની કામગીરીમાં શિક્ષકો પર વધારાનો બોજો નાખવાને બદલે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવે. વારંવાર સર્વે અને અહેવાલની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. “ઉઠી ગયેલા વિદ્યાર્થીઓના સંમતિ પત્રો શોધીને લાવવા” જેવી અવ્યવહારુ સૂચનાઓ રદ કરવામાં આવે. ડ્રોપઆઉટ ઘટાડવા માટે વાલી જાગૃતિ અભિયાન, સ્થાનિક તંત્ર, પોલીસ અને તાલુકા વહીવટી તંત્રનો સહયોગ લેવામાં આવે. તેમજ શિક્ષકોને તેમના મુખ્ય કાર્ય એટલે કે શિક્ષણકાર્ય માટે પૂરતો સમય અને સ્વતંત્રતા આપવામાં આવે.
શિક્ષક સંઘનું માનવું છે કે જો આ જ રીતે શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાં રોકવામાં આવશે તો રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા ક્યારેય સુધરી શકશે નહીં. તેમ રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાધલ ..મંત્રી પ્રમોદભાઈ કાનપરિયા.. અરશીભાઈ જાલોંઘરા, પ્રવીણભાઈ જેઠવા, ભાણભાઈ મેંગળ વગેરેએ જણાવ્યું છે.
