ઉના ગીરગઢડા પંથકમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી

પૂરની વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં 400થી વધુ ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ

ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવા સંજોગોમાં સમાજસેવાના ઉમદા ધ્યેય સાથે કાર્યરત કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતાં અસરગ્રસ્ત પરિવારો માટે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો ગીરગઢડા અને ઉના ના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે કાર્યરત રહ્યા હતા. ખાસ કરીને વણઝારા સમાજ સહિત જરૂરિયાતમંદ પરિવારોને આશરે 400થી વધુ ફૂડ પેકેટ તેમજ પીવા ના શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સતત વરસાદ, કાદવ અને મુશ્કેલ માર્ગો વચ્ચે પણ ટ્રસ્ટના સ્વયંસેવકોએ કોઈપણ પ્રકારની પરિસ્થિતિની પરવા કર્યા વિના નિ:સ્વાર્થ ભાવથી સેવા બજાવી હતી. અસરગ્રસ્ત લોકો સુધી સમયસર ભોજન અને પાણી પહોંચે તે માટે તેઓ સતત મેદાનમાં કાર્યરત રહ્યા હતા. આ રાહત સામગ્રી માત્ર ભૂખ અને તરસ દૂર કરવાનું સાધન જ નહીં, પરંતુ આપત્તિની ઘડીએ સમાજ તેમની સાથે ઊભો છે તેવો વિશ્વાસ અને આશાનો સંદેશ પણ બની હતી.
ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના સમયમાં માનવસેવા એ જ સૌથી મોટો ધર્મ છે. મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોની પડખે ઊભા રહી તેમની જરૂરિયાતો પૂરી કરવી એ દરેક સમાજસેવકની નૈતિક અને સામાજિક જવાબદારી છે. ટ્રસ્ટ ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકો માટે આવા સેવાકીય કાર્યો વધુ વ્યાપક રીતે ચાલુ રાખશે.
આ સમગ્ર સેવા અભિયાનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના દાતાશ્રીઓ, સ્વયંસેવકો અને સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની નિ:સ્વાર્થ સેવા અને સહકારના કારણે રાહત સામગ્રી ઝડપથી જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી શકાયી હતી.
કુદરતી આફતોની ઘડીએ માનવતાની મશાલ પ્રગટાવતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. આવી સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોના પ્રયાસો સમાજમાં પરસ્પર સહકાર, કરુણા અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ