કોડીનારના માઢવાડ પ્રાથમિક શાળાના શિક્ષકની અનિયમિતતા સામે કડક કાર્યવાહી

શિક્ષકને નોકરી અને બિઝનેસ બંને સાથે કરવો ભારે પડયો: ફરજ મોકુફ કરાયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની માઢવાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિજયસિંહ રાયસિંહ વાળા સામે થયેલી ગંભીર ફરિયાદોને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.
સરકારી હુકમ મુજબ સંબંધિત શિક્ષક વિરુદ્ધ મળેલી ફરિયાદોના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શિક્ષક દ્વારા આસ્થા ક્ધસ્ટ્રક્શન નામની પ્રોપ્રાયટરશિપ પેઢી સાથે સંકળાયેલા હોવા, સરકારી સેવા દરમિયાન ખાનગી વ્યવસાય સાથે સંભવિત જોડાણ, જીએસટી નોંધણી, આવકવેરા રિટર્ન અને અન્ય દસ્તાવેજોમાં વિસંગતતાઓ સહિતના ગંભીર મુદ્દાઓ સામે આવ્યા હોવાનું હુકમમાં નોંધવામાં આવ્યું છે.
તપાસમાં વર્ષ 2018ના સમજૂતી કરાર કરવા માટે ગાંધીનગર મુકામે પણ હાજર રહેલ અને તેજ દિવસે શાળાના હાજરી પત્રકમાં પણ હાજરી પૂરી સહી કરેલ જણાતા આમ એક જ દિવસે એક જ વ્યક્તિ બંને જગ્યાએ કેમ હાજર રહી શકે સહિતના દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે શિક્ષક દ્વારા આપવામાં આવેલા ખુલાસા સંતોષકારક ન હોવાનું પણ નોંધાયું છે. જેના આધારે ગુજરાત પંચાયત સેવા વર્તણુક નિયમો,1998 હેઠળ તેમને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફરજ મોકૂફના સમયગાળા દરમિયાન શિક્ષકનું મુખ્ય મથક સૈયદરાજપરા પ્રાથમિક શાળા, તાલુકો ઊના નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક છોડી શકાશે નહીં તેમજ દર મહિને હાજરી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. શિક્ષણાધિકારીના હુકમમાં વધુમાં જણાવાયું છે કે સસ્પેન્શન દરમિયાન સંબંધિત શિક્ષક કોઈપણ પ્રકારની ખાનગી નોકરી, ધંધો કે વ્યવસાય કરી શકશે નહીં. જો સાત દિવસથી વધુ સમય માટે મુખ્ય મથક છોડવાની જરૂર પડે તો તેની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયમો મુજબ ભથ્થાં, હાજરી અને અન્ય વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગની આ કાર્યવાહી જિલ્લામાં સરકારી શાળાઓમાં પારદર્શિતા, શિસ્ત અને જવાબદારી જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિભાગીય નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ