બગસરા પાલિકાની ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી ફક્ત કાગળ ઉપર

ભૂગર્ભ ગટરના ગંધાતા પાણી રોડ ઉપર આવતા લોકોને હાલાકી : અનેક વિસ્તારો વગર વરસાદે પાણી-પાણી

બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સુવિધા શહેરને આપવામાં આવી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકા જયારે પહેલા ભૂગર્ભ ગટર વેરો વસુલ કરતી ના હતી ત્યારે શહેરમાં એક પણ જગ્યાએ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ના હતી પરંતુ જયારે પાલિકાએ ભૂગર્ભ ગટર વેરો લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ દિન સુધીમાં અનેક જગ્યાએ આવા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.ખાસ કરીને શહેરના મુખ્ય રોડ ગણાતા એવા પોલીસ સ્ટેશન થી જાંજારીયા જવાના રોડ પણ આવેલી મસ્જિદ પાસે લગભગ એક બે દિવસે ગટરના દુગંધ યુક્ત પાણી રોડ ઉપર ફરી વળતા છાસવારે જોવા મળી રહે છે ત્યારે આવા દુગંધ યુક્ત પાણીથી અહીંથી પસાર થનાર લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધનો સામનો કરવા મજબુર બન્યા છે . આવી રીતે આજે પણ શહેરના હાર્દ સમા વિસ્તાર જેવાકે કુંકાવાવ નાકા પાસે આવેલ રામજી મંદિર પાસે દુર્ગંધ યુક્ત પાણી રોડ ઉપર ફરી વળતા વગર વરસાદ શહેરની આ મુખ્ય બજારમાં જાણે નદી વહેવા લાગી હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા જેના લીધે મંદિરે આવતા લોકોને આવા દુર્ગંધ યુક્ત પાણી માંથી પસાર થઈને મંદિરે જવા મજબુર બનવું પડે છે. આવી સ્થિતિના લીધે શહેરને પાલિકાએ જે સુવિધા આપી છે લોકો દ્વારા વેરો પણ ભરવામાં આવે છે તેમ છતાં પાલિકા સતાધીશો દ્વારા મેન્ટેનન્સ કરવાની કામગીરી ફક્ત કાગળ ઉપર કરી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે લોકોમાં આ બાબતે માંગ કરવામાં આવી છે કે શહેરને આપવામાં આવેલી સુવિધાને લોકો સરખી રીતે ઉપયોગ કરી શકે અને આવા દુર્ગંધ યુક્ત પાણી રોડ ઉપર ના ફરી વળે તેના માટે પાલિકા દ્વારા ઝડપી કામગીરી કરી આ પ્રશ્નનો નિવારણ કરવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ