ઉનાના કંસારી રોડ પર બેકરીની આડમાં ધમધમતું દવાખાનું ઝડપાયું: આરોગ્ય સાથે ચેડા

ડિગ્રી અને રજિસ્ટ્રેશન વિના એલોપેથી સારવાર આપતો કથિત તબીબ ઝડપાયો, 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા એસઓજીની સંયુક્ત ટીમે દરોડો પાડી ડિગ્રી તથા કાયદેસર નોંધણી વિના એલોપેથી સારવાર આપતા કથિત તબીબ ભાવેશ સોલંકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, ફિઝિયોથેરાપીના સાધનો અને અન્ય તબીબી ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઉના તાલુકાના કંસારી ગામે ભાચા રોડ પર આવેલી બાપા સીતારામ બેકરીમાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરવા માં આવતી હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. બાતમીના આધારે તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને ગીર સોમનાથ જિલ્લા જઘૠ ની ટીમે સંયુક્ત રીતે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બહારના ભાગમાં બેકરીનો વ્યવસાય ચાલતો હતો, જ્યારે અંદરના ભાગમાં સંપૂર્ણ ક્લિનિક ઉભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન કથિત તબીબ દર્દીઓની તપાસ અને સારવાર કરતો મળી આવ્યો હતો. સ્થળનું દૃશ્ય જોઈ તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી ભાવેશ સોલંકી પાસે ભારત સરકાર કે ગુજરાત મેડિકલ કાઉન્સિલની કોઈ માન્ય ડિગ્રી, રજિસ્ટ્રેશન અથવા તબીબી વ્યવસાય કરવાની કાયદેસર મંજૂરી ઉપલબ્ધ નહોતી. તેમ છતાં તે પોતાને તબીબ તરીકે રજૂ કરી એલોપેથી સારવાર આપતો હતો. ક્લિનિકમાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેના આધારે દર્દીઓમાં વિશ્વાસ ઉભો કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ, પેઇનકિલર ઇન્જેક્શન, હાઈ ડોઝની દવાઓ, સ્ટીરોઇડ દવાઓ, બાળકોની સારવારમાં ઉપયોગી દવાઓ તેમજ ફિઝિયોથેરાપી અને ઓર્થોપેડિક સારવાર માટે વપરાતા વિવિધ મશીનો અને સાધનો મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે રૂ. અઢી લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેની તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કથિત તબીબ દર્દીઓને યોગ્ય નિદાન વિના હાઈ ડોઝ અને સ્ટીરોઇડ આધારિત દવાઓ આપતો હતો, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તબીબી લાયકાત વિના એલોપેથી સારવાર આપવી કાયદાકીય રીતે ગંભીર ગુનો છે અને તે દર્દીઓના જીવન સાથે ચેડાં સમાન છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દરરોજ અંદાજે 30થી 40 જેટલા દર્દીઓ સારવાર માટે અહીં આવતા હતા. આસપાસના ગામો ઉપરાંત અન્ય જિલ્લાઓ માંથી પણ લોકો સારવાર લેવા પહોંચતા હતા. દર્દીદીઠ રૂ. 600થી 1,000 સુધીની ફી લેવામાં આવતી હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.દરોડા દરમિયાન બેકરી ના સંચાલકે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે તેમણે સામેની વ્યક્તિને ડોક્ટર સમજી જગ્યા ભાડે આપી હતી અને અંદર ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ ચાલતી હોવાની જાણ નહોતી.

તબીબ પાસે માન્ય ડીગ્રી ન હતી : દુમાતર
તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતરે જણાવ્યું હતું કે આરોપી પાસે કોઈ માન્ય તબીબી નોંધણી કે ડિગ્રી મળી નથી. સ્થળ પરથી જપ્ત કરાયેલી દવાઓ અને સાધનોની તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી માત્રામાં એલોપેથી દવાઓ ક્યાંથી લાવવામાં આવી, કયા ડિસ્ટ્રિબ્યુટર અથવા એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવી અને તેની ખરીદી કાયદેસર રીતે થઈ હતી કે નહીં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્ર્નો ઊભા કર્યા છે
છેલ્લા લાંબા સમયથી જાહેર સ્થળે બોગસ તબીબી કેન્દ્ર ધમધમતું હોવા છતાં સંબંધિત તંત્રના ધ્યાનમાં કેમ ન આવ્યું? બોગસ તબીબ સુધી એલોપેથી દવાઓ કેવી રીતે પહોંચી? શું દવાઓના વેચાણમાં પણ કોઈ અનિયમિતતા થઈ છે? આવા તમામ મુદ્દાઓ હવે તપાસના કેન્દ્રમાં છે.
ઉના પોલીસ મથકે કથિત તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
કથિત તબીબ ઝડપાયાં બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે. આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે સારવાર લેતા પહેલાં તબીબની ડિગ્રી, રજિસ્ટ્રેશન નંબર અને ક્લિનિકની કાયદેસર માન્યતા ચકાસવી જરૂરી છે. માત્ર ઓછી ફી અથવા ઝડપી સારવારના લોભમાં આવી બોગસ તબીબો પાસે સારવાર લેવાથી આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે.આ કાર્યવાહી બાદ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા અન્ય બોગસ ક્લિનિકો સામે પણ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ