સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ કાચી માટીનો વિશાલ મૂંજીયાસર ડેમ બગસરામાં આવેલો હોવાથી રીનોવેશન જરૂરી
અમરેલી જિલ્લાના બગસરા શહેર માટે જીવાદોરી સમાન અને ઐતિહાસિક મુંજીયાસર ડેમને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે બગસરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી નિતેષભાઈ આર. ડોડિયાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, એશિયાનો પ્રથમ કાચી માટીનો મુંજીયાસર ડેમ વર્ષ 1954માં બાંધવામાં આવ્યો હતો. 66 વર્ષ જૂનો આ ડેમ બગસરા શહેરની 45,000 જેટલી જનતા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને આસપાસના અનેક ગામોને સિંચાઈનો લાભ પૂરો પાડે છે. વર્ષ 1982ના વાવાઝોડા દરમિયાન ડેમને નુકસાન થયું હોવા છતાં, સમારકામ દ્વારા આ ડેમ અત્યાર સુધી અડીખમ રહ્યો છે. જયારે આ ડેમનો સ્ત્રોત ક્ષેત્ર 101.78 ચોરસ કિલોમીટર છે. જયારે આ ડેમનું પાણી આશપાસના ગ્રામ્ય વિસ્તાર સિંચાઈનુ પાણી કેનલો દ્વારા ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે આ યોજના સિંચાઈ વિસ્તાર 5464 હેક્ટર ખેતી લાયક સિંચાઈ વિસ્તાર છે જયારે આ સિંચાઈ યોજનાનો લાભ બગસરા તાલુકો ધારી તાલુકો અને અમરેલી તાલુકાના 9 ગામોનો સમાવેશ થાય છે.જયારે આ ડેમની લંબાઈ લગભગ 4300 મીટર મથાળું લેવલ 68 મીટર અને પહોળાઈ 12 મીટર છે. આવા ઐતિહાસિક ડેમની હાલમાં ડેમની અવધિ પૂર્ણતાના આરે હોય તેથી તેની મજબૂતી અને સલામતી જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. આ અંગે નિતેષભાઈ ડોડીઆએ માંગણી કરી છે કે, મુંજીયાસર ડેમમાં ગેબીયન પીચિંગ એટલે કે પથ્થરનું કામ કરીને તેનું વહેલી તકે આધુનિકીકરણ અને રીનોવેશન કરવામાં આવે. આ કામગીરી થવાથી ડેમની આયુષ્ય વધશે અને બગસરા તેમજ આસપાસના વિસ્તારોને વર્ષો સુધી પાણીની અછતનો સામનો કરવો નહીં પડે.
આ મહત્વપૂર્ણ લોકહિતના કાર્ય માટે રજૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ જોડાયા હતા.જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.
