મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ત્રણ સામે કેસ ચલાવવા કોર્ટનો આદેશ

બે લોકોને ગેરકાયદેસર પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી ધમકી આપી હતી

લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના ગુનાઓમાં કેસ ચલાવવાનો હુકમ કર્યો છે.
મોટી ખાવડી ગામના ભારમલ કરાભાઈ મોરી 11 એપ્રિલ, 2016 ની રાત્રે પોતાની ચાની કેબિન પર હતા ત્યારે મેઘપર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદી સાથે ગાળાગાળી કર્યા બાદ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા મહિપતસિંહ નાથુભા જાડેજા ને પણ માર મારી બંને ને પોલીસ જીપ માં બેસાડી મેઘપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં પણ બંનેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપીને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે ઇજાગ્રસ્ત ફરિયાદીને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એમએલસી નોંધાઈ હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં ફરિયાદીએ એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી મારફતે લાલપુર કોર્ટ માં ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ અને જી.જી. હોસ્પિટલના ડોક્ટરના નિવેદનોના આધારે લાલપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પીએસઆઈ જલુ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા સામે ફરિયાદ નોંધાવી કેસ ચલાવવા નો તથા આરોપીઓ ને સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી, એડવોકેટ પાર્થ ડી. સામાણી, એડવોકેટ મહાવીરસિંહ બી. જાડેજા તથા એડવોકેટ સમર્થ આર. વેકરિયા રજૂઆત કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ