આરાધના ધામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ

ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ પીકઅપ વાહન ધુસી જતા બે મિત્રોના મોત નીપજ્યા હતા

ખંભાળિયા – જામનગર હાઈવે પર મંગળવારે મધ્યરાત્રીએ એક ટ્રકની પાછળ પીકઅપ વાનના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત નીપજ્યા હતા. પ્રકરણ સંદર્ભે વાડીનાર મરીન પોલીસ મથકમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ અકસ્માતના આ બનાવ અંગે મૂળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ તથા હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા કૌશિકભાઈ ગોવિંદભાઈ પરમાર નામના 28 વર્ષના યુવાને જી.જે. 37 વી. 9988 નંબરના એક ટ્રકના ચાલક સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી કૌશિકભાઈ પરમાર તેમની સાથે કમલેશ કાશીનાથ ટુડુ (ઉ.વ. 21, રહે. હાલ મેઘપર) અને અર્જુન ખેમલાલ મહિલાંગ (ઉ.વ. 14, રહે. મેઘપર) ને સાથે લઈને તેમના જી.જે. 37 ટી. 6822 નંબરના પીકઅપ વાનમાં મંગળવારે રાત્રિના સમયે માંગરોળથી મેઘપર જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર આરાધના ધામ પાસે પહોંચતા આ માર્ગ પર જી.જે. 37 વી. 9988 નંબરના એક ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, એકાએક બ્રેક મારતા ફરિયાદીનું પીકઅપ વાહન ઉપરોક્ત ટ્રકની પાછળના ભાગે અથડાઈ પડ્યું હતું. આના કારણે પીકઅપ વાહનમાં જઈ રહેલા મિત્રો કમલેશભાઈ અને અર્જુનના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે પીકઅપ વાનના ચાલક કૌશિકભાઈ પરમારને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે વાડીનાર મરીન પોલીસે ટ્રકના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા નજીક ટેન્કર અકસ્માત સંદર્ભે ચાલક સામે ગુનો
ખંભાળિયા – પોરબંદર માર્ગ પર મંગળવારે રાત્રિના સમયે એક ઇંધણ ભરેલું એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ પ્રકરણમાં અન્ય એક ટ્રકના ચાલક સામે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયમલજી ધીરુભા જાડેજા (ઉ.વ. 37)એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મંગળવાર તા. 21 ના રોજ સાંજના સમયે તેઓ પોરબંદરના આદિત્યાણાથી લાઈમ સ્ટોન ડટ ભરીને જામનગર માર્ગ પર સિક્કા ડી.સી.સી.માં ખાલી કરવા જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા જી.જે. 18 બી.ડબલ્યુ. 6894 નંબરના એક ઇંધણ ભરેલા ટેન્કર આડે ઢોર આવતા આ ટેન્કરના ચાલકે કાવું મારતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે આ ટેન્કર ફરિયાદી જયમલજી જાડેજાના ડમ્પર સાથે અથડાયું હતું. આ અકસ્માત બાદ ટેન્કરમાં રહેલું ઈંધણ લીકેજ થઈને રોડ પર ઢોળાવવા લાગ્યું હતું. આ પછી જાણ થતાં અહીંનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ તંત્રએ રસ્તો બંધ કરાવી, જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ