પોલીસે રૂ. 2.19 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર ત્રણની શોધખોળ આદરી
કલ્યાણપુર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક સોલર પ્લાન્ટમાંથી થોડા સમય પહેલા કોપર વાયરની ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે કાર્યવાહી કરી, આ પ્રકરણમાં જામનગર વિસ્તારના ત્રણ શખ્સોને રૂ. 2.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં અન્ય ત્રણ શખ્સોની શોધખોળ પણ હાથ કરવામાં આવી છે.
આ બનાવ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામની સીમમાં આવેલા ઓપેરા સોલાર પ્લાન્ટના અંદરના ભાગમાંથી રૂપિયા 1.91 લાખની કિંમતનો આશરે 7,870 મીટર જેટલો કોપર કેબલ વાયર ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જે દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને મુકેશભાઈ કેસરીયાને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ મદદથી મળેલી માહિતીના આધારે આ ચોરી પ્રકરણમાં જામનગરના બેડેશ્વર વિસ્તારના રહીશ એવા રાજુ અસગર પઠાણ અને બશીર હનીફ ચૌહાણ તથા સિક્કાના રહીશ આમદ ઉર્ફે બુધીયો હારુન જેડા નામના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1.78 લાખની કિંમતનો આશરે 177 કિલોગ્રામ વજનનો બળી ગયેલો કોપર વાયર તથા રૂપિયા 20,580 ની કિંમતનો આશરે 51 કિલો જેટલો રબર સહિતનો કોપર વાયર તથા બે મોબાઈલ ફોન, કટર વિગેરે મળી કુલ રૂપિયા 2,18,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં સિક્કા ગામના રહીશ એવા ત્રણ શખ્સો અસલમ ઈસા તાયાણી, આરીફ ઈસા તાયાણી અને અસલમના ફુવાની સંડોવણી પણ હોવાનું ખુલતા પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અસલમ ઈસા સામે જામનગરના જુદા જુદા પોલીસ મથકમાં ત્રણ તેમજ આરીફ ઈસાની સામે પણ જામનગરના સિક્કા અને ધ્રોલમાં ચોરી અંગેના એક-એક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચોરી પ્રકરણના આરોપી પૈકીના શખ્સો જે જગ્યાએ સોલાર પેનલ લાગી હોય, ત્યાં રેકી કરીને રાત્રીના સમયે ભાડેથી વાહન લઈને જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી હોય, ત્યાં છુપી રીતે જઈને કટર વડે કેબલ વાયર કાપીને ચોરી કરી, ભંગારના વાડામાં તેનું વેચાણ કરી નાખતા હોવાનું પોલીસની પૂછતાછમાં જાહેર થયું છે. વધુ તપાસ અર્થે એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, દીપકભાઈ રાવલીયા, લાખાભાઈ, ગોવિંદભાઈ, ખીમાભાઈ, મુકેશભાઈ, વિશ્વદીપસિંહ, હસમુખભાઈ, પ્રકાશભાઈ, સચિનભાઈ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
