સીએમએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ટેલિફોનીક વાત કરી તાકીદની મદદ માગી: રાજયમાં 3644 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડના ઉમરગામમાં માત્ર 48 કલાકમાં જ વિક્રમજનક 43 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની તારાજીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને કેન્દ્ર સરકાર પાસે તાકીદની મદદ માંગી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યને તમામ પ્રકારની જરૂૂરી મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી છે.
રાજ્યમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ અને હાઈ એલર્ટ પર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની તમામ પૂર્વનિર્ધારિત સત્તાવાર અને જાહેર કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક વલસાડ તરફ રવાના થયા છે. તેઓ વલસાડ પહોંચીને જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે અને બચાવ તથા રાહત કામગીરીનું સીધું મોનિટરિંગ કરશે. રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં સરકાર દ્વારા ખાસ પ્રભારી સચિવોને તાત્કાલિક પહોંચવાના સખત આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.
ભારે વરસાદ અને નદીઓની પૂરની સ્થિતિને કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં એનડીઆરએફ (ગઉછઋ) અને એસડીઆરએફ (જઉછઋ)ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સુરતમાં 2244 અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,200 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કાવેરી નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલા આશરે 200 લોકોને પણ તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
