પોરબંદર જિલ્લામાં જમીન રી-સર્વેની અરજીનો માત્ર એક અઠવાડિયામાં થશે નિકાલ

ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટર દ્વારા આપવામાં આવી સુચના

પોરબંદર જિલ્લામાં જમીન રી-સર્વેની અરજીનો એક અઠવાડિયામાં નિકાલ કરવા કલેકટરે સુચના આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લોકાભિમુખ નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને પારદર્શક નિકાલ માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે.આ જ પારદર્શક કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ પોરબંદર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું, પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદાર લક્ષ્મણભાઈ રાણાભાઈ બોરીચા વતી તેમના પ્રતિનિધિ લક્ષ્મણભાઈ ભુરાભાઈ મોકરીયાએ જમીન માપણી અંગે અગત્યની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્થળ પર અને જૂના રેકોર્ડ મુજબ જમીન પૂરેપૂરી હોવા છતાં, નવા રી-સર્વે દરમિયાન કાગળ પર આશરે 1 વીઘા અને 4 ગુણઠા જમીન ઓછી દર્શાવાઈ હતી, જેના સુધારા અર્થે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને નાગરિકોને ઝડપી ન્યાય મળે તેવા હેતુથી જિલ્લા કલેક્ટરે સંવેદનશીલતા દાખવી આ અરજીનો એક જ સપ્તાહમાં નિકાલ કરવા તેમજ ડી.આઈ.એલ.આર. અધિકારીને 15 દિવસની અંદર નિયમાનુસાર સુધારેલો નવો રેકોર્ડ તૈયાર કરી આપવા સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા.જિલ્લા વહીવટી તંત્રની આ ત્વરિત, પારદર્શક અને નાગરિક-કેન્દ્રી કામગીરીથી અરજદારે સંતોષ વ્યક્ત કરી કલેક્ટર તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ