જૂનાગઢ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી સોરઠ પંથકમાં વરસાદી સિસ્ટમ સક્રિય


વિસાવદરમાં 3 ઇંચ, ગિરનાર પર્વત પર દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સતત ચાર દિવસથી વરસી રહેલા ધીમીધારના વરસાદ વાવણી કરેલા ખેતરો માટે અમૃત સમાન સાબિત થયો છે. બીજી બાજુ સતત વરસાદથી વાતાવરણ આહલાદક ઠંડુ બની ગયું છે, તો ગિરનાર પર્વત સહિતના જંગલ વિસ્તારોમાં કુદરતી સૌંદર્યમાં અદભુત વધારો થયો છે.
જૂન મહિનો કોરો ધાકળ ગયા બાદ જુલાઈ માસ શરૂ થતાંની સાથે ધોધમાર સાંબેલાધાર વરસાદ અને થોડા વિરામ બાદ વરસાદે ભલે ઝીણી ધારે પણ ભારે બરાબરની જમાવટ કરી છે, મેઘરાજાની આ મહેરબાનીથી રોકડિયા પાકો એવા મગફળી, સોયાબીન, કપાસ અને તલના પાકને ખૂબ જ મોટો ફાયદો થયો છે. તો કયાંક વરસાદી પાણી મળતા જ કરમાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે. જેને લઈને સોરઠના ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. છેલ્લા 36 કલાક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ, ભેસાણમાં અઢી ઇંચ, જુનાગઢ અને કેશોદમાં 1-1 ઈંચ વરસાદ તથા માણાવદર, વંથલી, માળીયાહાટીના, મેંદરડા અને માંગરોળ પંથકમા અડધો ઇંચ જેટલો ધીમીધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરનાર પર્વત પર પણ આજે સવારથી સાંજના 6 વાગ્યા દરમિયાન દોઢ ઈંચ વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ