પૂર્વ એકાઉન્ટન્ટે વર્તમાન કર્મચારીઓની મિલીભગતથી કર્યુ કૌભાંડ
ભાવનગરના આતાભાઈ ચોક ખાતે આવેલી ‘સાઈ ઈંફીનીયમ’ ટી.એમ.ટી. સળિયા બનાવતી કંપનીમાં આર્થિક ઠગાઈ અને વિશ્વાસઘાતની ગંભીર ઘટના સામે આવી છે. કંપનીના મેનેજર ભગીરથસિંહ ભુપતસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠગાઈ આચરવાની મોડસ ઓપરેન્ડી 7 જુલાઈ 2026ના રોજ કંપની દ્વારા ‘ભાગ્યલક્ષ્મી ટ્રેડર્સ’ નામના વેપારીને રૂ. 82,805 ચૂકવવાના હતા. પરંતુ, કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટ રોહિત મકવાણાએ નાણાકીય વ્યવહારોમાં હેરાફેરી કરી હતી. તેણે વેપારીના નામે બિલ બનાવીને બેંક ખાતા નંબર તરીકે તેના મિત્ર રવી પ્રવીણભાઈ બારૈયા (રહે. સરિતા સોસાયટી, ભાવનગર)ના જઇઈં ખાતાની વિગતો નાખી દીધી હતી. આ રીતે કંપની સાથે રૂ. 82,805ની છેતરપિંડી કરવામાં આવી હતી.
20 જુલાઈ 2026ના રોજ રિચાર્જ બાબતે થયેલી પૂછપરછ દરમિયાન આ ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. મેનેજરે શંકા જતાં પૂર્વ એકાઉન્ટન્ટ રોહિત મકવાણાની કડકાઈથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન રોહિતે કબૂલાત કરી હતી કે કંપનીના વર્તમાન કર્મચારીઓ હિરલ લખાણી અને વિશાલ કનાડાએ તેને કમિશનની લાલચ આપી તેના મિત્ર રવીનું બેંક ખાતું વાપરવા કહ્યું હતું. ભાંડો ફૂટી જતાં આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા નાણાં મેનેજરના ખાતામાં પરત જમા કરાવી દીધા હતા અને માલિકને કંઈ ન કહેવા માટે દબાણ કર્યું હતું.
4 સામે પોલીસ ફરિયાદ કંપનીના હિસાબો સાથે સીધા સંકળાયેલા પૂર્વ કર્મચારી રોહિત મકવાણા, વર્તમાન સ્ટાફ હિરલ લખાણી, વિશાલ કનાડા અને મિત્ર રવી બારૈયાએ મિલીભગતથી આ વિશ્વાસઘાત આચર્યો હતો. આ મામલે મેનેજરે નિલમબાગ પોલીસ મથકે ચારેય આરોપીઓ તથા તપાસમાં ખુલનારા અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
