જામસાહેબની જાણ બહાર એકાઉન્ટન્ટે પોતાની પત્નીના ખાતામાં 18.30 લાખ ટ્રાન્સફર કરી લીધા

જામનગરના જામધર્માદા ટ્રસ્ટમાં રૂા.18.30 લાખની ઉચાપતના આરોપ સાથે એકાઉન્ટન્ટ સામે ફરીયાદ

જામનગર શહેરના જામ ધર્માદા ટ્રસ્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા આનંદ બાબુભાઈ પરમાર સામે આશરે રૂ. 18.30 લાખની ઉચાપત અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે વર્ષ 2023થી ફેબ્રુઆરી-2026 દરમિયાન કર્મચારીઓના પગારબીલમાં વધુ રકમ દર્શાવી, મહારાજા જામ સાહેબ ની જાણ બહાર ચેકોમાં રકમમાં ફેરફાર કરી પોતાના તેમજ પત્ની એકતા પરમારના બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ અંગે મહારાજા જામ સાહેબ ના અંગત મદદનીશ નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજા એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આનંદ પરમાર છેલ્લા લગભગ સાત વર્ષથી જામ ધર્માદા ટ્રસ્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કર્મચારીઓના પગારબીલ તૈયાર કરવા, મહારાજા જામ સાહેબ પાસેથી મંજૂરી મેળવી ચેક તૈયાર કરાવવા, તેમજ ટ્રસ્ટના ખર્ચ અને ખરીદી સંબંધિત હિસાબી કામગીરી સંભાળતા હતા. તેમનો માસિક પગાર રૂ. 27,000 હતો.
ફરિયાદ અનુસાર પ્રાથમિક તપાસ દરમિયાન વર્ષ 2023થી ફેબ્રુઆરી-2026 સુધીના પગારબીલો અને બેંક સ્ટેટમેન્ટોની ચકાસણી કરતાં પગારબીલમાં વધારાની રકમ દર્શાવી ચેકો દ્વારા પોતાના એસબીઆઈ ખાતામાં આશરે રૂ. 3.50 લાખ અને પત્ની એકતા પરમારના બેંક ઓફ બરોડાના ખાતામાં આશરે રૂ. 10.80 લાખ સહિત કુલ આશરે રૂ. 18.30 લાખ ટ્રાન્સફર કરાયા હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મહારાજા જામ સાહેબ ને આ ગેરરીતિની જાણ થતાં આનંદ પરમારને રકમ પરત આપવા જણાવાયું હતું. તેમણે રકમ પરત આપવાની ખાતરી આપી હોવા છતાં આજદિન સુધી નાણા પરત ન આપતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે આનંદ બાબુભાઈ પરમાર સામે ગુનાહિત વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવની તપાસ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઇ એમ.એમ. મહેતા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ