અમેરિકી સેનેટમાં વિધેયક પસાર: ટ્રમ્પને નવું હથિયાર
અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્ે ચાલતી તનાવની વચ્ચે એક નવું સંકટ સર્જાયું છે. રશિયન તેલ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પને સત્તા આપતું વિધેયક અમેરિકી સેનેટમાં પસાર થયું છે જેને પગલે ભારત પર નવા ટેરિફનું જોખમ ઉભું થયું છે.
જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસ આયાત કરતા દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 100% સુધી ટેરિફ લાદવાની સત્તા મળશે. આ બિલ હેઠળ
ભારત ચીન સ્લોવાકિયા હંગેરી અઝરબૈજાન જેવા પાંચ દેશો નિશાન પર આવશે. પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી. આ કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાર્યું હતું. ઓગસ્ટ 2025માં પણ અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો હતો. બાદમાં ઈરાન સંકટ વખતે ફેબ્રુઆરીમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી 100% ટેરિફનો ખતરો ઉભો થયો છે.
સેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ સપ્ટેમ્બરમાં યોજાનારી ’હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ની બેઠકમાં રજૂ થશે. ત્યાંથી પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા પછી જ તે આખરી કાયદો બનશે. જોકે, આ બિલથી સીધા ટેરિફ લાગુ નહીં થાય પણ પ્રમુખ ટ્રમ્પને ભારત જેવા દેશો પર નવું આર્થિક દબાણ લાવવા માટેનું મોટું હથિયાર મળી જશે.
