પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની તપાસ આદરી
ઓખા નજીક રૂા. 30 હજારના દેશી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.
ઓખા નજીક આવેલી ડાલડા બંદર ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જીજે 10 ટી.વાય. 5572 નંબરની એક આર્ટિગા મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 30,000 ની કિંમતના દારૂ અને રૂપિયા પાંચ લાખની કિંમતની આર્ટિગા મોટરકાર સહિત કુલ રૂપિયા 5 લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન ભાણવડના મોડપર ગામનો કરશન ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ આ મુદ્દામાલને મૂકીને નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. જે અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
બે માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુના કારણે માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં સલાયાના રહીશ સાલેમામદ હુસેન સંઘાર અને ઓસમાણ હુસેન હુંદડા નામના બે માછીમારોએ કોઈપણ જાતની પૂર્વપરવાનગી વગર પોતાની એન્જિન લગાડેલી બોટમાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, બંને સામે બી.એન.એસ. ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરી હતી.
જામગરી બંદૂક સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામની સીમ વિસ્તારમાં રહેતા વિજય જેઠાભાઈ પુંજાભાઈ ભોચિયા નામના 45 વર્ષના ડફેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂકને પાસ-પરવાના વગર રાખતા ઝડપી લઈ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
