તૈયારી અંગે કલેક્ટરની સમીક્ષા બેઠક : સુરક્ષા, રસ્તા સહિતના આયોજન અંગે માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે વિશ્ર્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. 14 થી 16 સપ્ટેમ્બર,દરમિયાન આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળાના સુચારુ અને સફળ આયોજન માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ મેળાની તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે અને તેમાં આવતા લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે દરેક વિભાગના અધિકારીઓએ પરસ્પર સંકલન સાધીને કાર્ય કરવાનું રહેશે. મેળામાં રસ્તા, પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, એમ્બ્યુલન્સ, પીવાનું પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મેળામાં આવતા લોકોની સુરક્ષા અને સલામતી વિશે ચર્ચા કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે બચાવ કામગીરી માટે તરવૈયાઓ તૈનાત રાખવા. કોઈપણ જાતનો અકસ્માત નિવારી શકાય તે માટે એમ્યુઝમેન્ટ રાઈડ્સની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી તેમજ સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરી હતી.
આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, સંચાર વ્યવસ્થા જાળવવા માટે હંગામી મોબાઈલ ટાવરની વ્યવસ્થા, યોગ્ય સાઈનેજ બોર્ડ, બસની સુવિધા અને ટેન્ટ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. સમગ્ર મેળા દરમિયાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી.
