તાલાલા ખાંડ ફેક્ટરીના બોર્ડનું વિસર્જન કરાયું કસ્ટોડિયને ચાર્જ સંભાળ્યો

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત અઢી વર્ષ પહેલા પૂર્ણ થઈ હતી : કસ્ટોડિયન તરીકે અમરેલીના જિલ્લા રજીસ્ટ્રાર મુકાયા

તાલાલા ખાંડ ફેક્ટરીના વર્તમાન ચૂંટાયેલ બોર્ડની મુદત અઢી વર્ષ પહેલા પૂર્ણ થવા છતાં પણ સંસ્થાની સામાન્ય ચૂંટણી યોજાઈ શકેલ નહીં જેથી ખાંડ નિયામકે તાલાલા ખાંડ ફેક્ટરીમાં વહીવટદાર ની નિમણૂંક કરી છે. તાલાલા ખાંડ ફેક્ટરીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની છેલ્લી ચૂંટણી ગત તા.25/02/2019ના રોજ યોજાઈ હતી.કાયદાકીય જોગવાઈ પ્રમાણે પાંચ વર્ષની મુદત 2024 માં પૂર્ણ થઈ હતી… ત્યારબાદ ગમે તે કારણોસર અઢી વર્ષ સુધી સંસ્થાની ચૂંટણી યોજાઈ શકેલ નહીં તે ધ્યાને લઈ ગાંધીનગર ખાતેના ખાંડ નિયામક સુનિલકુમાર ચૌધરી એ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961 ની કલમ 74(ડી)(1)ની જોગવાઈ પ્રમાણે તાલાલા ખાંડ ફેક્ટરી ની ચૂંટણી થાય નહીં ત્યાં સુધી સંસ્થામાં વહીવટદાર નિયુક્તિ કરેલ છે…ખાંડ નિયામકે અમરેલીના જિલ્લા રજીસ્ટ્રાર ની તાલાલા ખાંડ ફેક્ટરી ના કસ્ટોડિયન તરીકે નિયુક્તિ કરી સંસ્થાનો ચાર્જ સોંપેલ છે.
તાલાલા ખાંડ ફેક્ટરીમાં 13 ડિરેક્ટર્સનું બોર્ડ હતું
તાલાલા ખાંડ ફેક્ટરીમાં ખેડૂત વિભાગના 11,સહકારી મંડળીના બે મળી કુલ 13 ચૂંટાયેલ ડિરેક્ટર્સ નું બોર્ડ કાર્યરત હતું.સંસ્થાના ચેરમેન તરીકે ભીમશીભાઈ બામરોટીયા હતાં.સંસ્થા ઉપર આર્થિક ભારણ વધી જતાં ફેક્ટરી છેલ્લા 13 વર્ષથી બંધ હતી.બે વર્ષ પહેલા તાલાલા ખાંડ ફેક્ટરી ને ઇન્ડિયન પોટાશ લિમિટેડ(નવી દિલ્હી)ને 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી છે.કંપનીએ સંસ્થાના કર્મચારીઓને વર્ષોથી બાકી રકમ ચૂકવણા સાથે અંદાજે રૂ.100 કરોડનો ખર્ચ કરી સંસ્થાનો સંપૂર્ણ જીર્ણોધ્ધાર સાથે ફરી કાર્યરત કરી છે.
તાલાલા ખાંડ ફેક્ટરીમાં કસ્ટોડિયન કેમ…??
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઘણી સહકારી સંસ્થાના બોર્ડની મુદત પૂર્ણ થઈ ગઈ છે ત્યાં વર્તમાન બોર્ડ કાર્યરત છે.એકમાત્ર તાલાલા ખાંડ ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને સુપર સીડ કરી કસ્ટોડિયન મુકવામાં આવ્યા છે…સરકારના આ નિર્ણય સામે તાલાલા વિસ્તારમાં શંકા કુશંકા સાથે… રાજકીય પંડીતો અવનવા અનુમાનો વ્યક્ત કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ