મોરબી જિલ્લામાં ભાવનગર લઠ્ઠાકાંડનું પુનરાવર્તન થતા અટકાવતી પોલીસ
કુખ્યાત હિસ્ટ્રીશીટરે પાલારા જેલમાં રાજસ્થાની શખ્સ સાથે પ્લાન બનાવ્યો હતો : 12 હજાર બોટલ દારૂ બની શકે તેટલુ ઈથેનોલ મંગાવ્યું હતુ
મોરબી એલ.સી.બી. ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેણાંક મકાનમાં ચાલતી નકલી બ્લેન્ડર પ્રાઈડ બ્રાન્ડનો વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.પોલીસે આ ગુનામાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ નકલી દારૂ હજારો લોકો સુધી પહોંચે તે પહેલા જ પોલીસે સફળ કામગીરી કરી છે.
મોરબી એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે મોટા દહીસરા ગામમાં ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજીયા તથા અજયસિંહ ભાવુભા જાડેજા નામના ઈસમો પોતાના રહેણાંક મકાનમાં વિવિધ કેમિકલ્સ મિશ્રિત કરીને નકલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવી રહ્યા છે. તેઓ ખાલી બોટલોમાં આ દારૂ ભરી, તેના પર નકલી ચછ કોડ, બારકોડ, સ્ટેટ ટેક્સના સ્ટીકરો અને ઢાંકણા લગાવીને તેને અસલી દારૂ તરીકે વેચવાની પેરવી કરી રહ્યા છે.જેને આ બાતમીના આધારે એલ.સી.બી.ની પીઆઇ તેમજ ઇન્ચાર્જ એસપી સમીર સારડા સહિતની ટીમે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ત્યાંથી મોટા પ્રમાણમાં નકલી દારૂ બનાવવાની સામગ્રી મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 20,75,444/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની (750 મીલી) શીલબંધ નકલી દારૂ ભરેલી કુલ બોટલો નંગ-293,લુઝ નકલી વિદેશી દારૂ આશરે 175 લિટર, દારૂ બનાવવા માટે વપરાતું વિવિધ ઇથેનોલ કેમિકલ આશરે 400 લિટર,દારૂ ભરવા માટેની કાચની ખાલી બોટલો નંગ-1224, નકલી ચછ કોડ, બારકોડ સ્ટીકરો, ઢાંકણા અને અન્ય પેકિંગ સામગ્રી, કેમિકલ સ્ટોરેજ માટેના પ્લાસ્ટિકના બેરલ, પ્લાસ્ટિકના કેરબા, ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ તેમજ 6.50 લાખ રોકડા રૂપિયા, 1 મોબાઇલ ફોન અને દારૂની હેરફેર માટે વપરાતી 1 કાર કબ્જે કરવામાં આવી છે.
મોરબી એલસીબી ટીમે મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજીયા(ઉં.વ.42, રહે. મોટાદહીસરા),કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા,(ઉં.વ.26, રહે. મોટાદહીસરા),રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા( ઉં.વ.38, રહે. મોરબી મૂળ રહે. ટંકારા),વિક્કી ઉર્ફે કાનો રમેશભાઈ સીંધવ (ઉં.વ.25, રહે. માળિયા(મીં),વિક્રમભાઈ કેશુભાઈ ધંધુકીયા(ઉં.વ.25, રહે. મોટાદહીસરા) નામના
પાંચ આરોપીઓની તાબડતોબ ધરપકડ કરી છે.અને પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા પણ આ ગુનામાં સામેલ છે, જે હાલ ફરાર છે.
તેમજ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે જે ફરાર આરોપી અજયસિંહ અને રાજસ્થાનનો કોઈ ઇસમ ભુજની પાલારા જેલમાં સાથે હતા ત્યારે જ રાજસ્થાનના ઈસમે આ નકલી દારૂ બનાવવાનો પ્લાન આપેલો હતો.જે બાદ જેલમાંથી બહાર આવ્યા પછી મોકો મળતા જ અજયસિંહ જાડેજા એ આ નકલી દારૂ બનાવવાનો ગોરખધંધો શરૂ કર્યો છે પરંતુ નકલી દારૂની એક પણ બોટલ વહેંચે તે પહેલા જ પોલીસે તેના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.આ દારૂ બનાવવાનો રો મટીરિયલ પણ રાજસ્થાનથી આવ્યું હોવાનું આરોપીઓ જણાવી રહ્યા છે જે બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે આ દારૂ કોણ ખરીદવાનું હતું તે વિવિધ દિશામાં તપાસ શરુ કરાઈ છે.
