જન્માષ્ટમીની રજામાં સુરતથી વતન આવેલો યુવાન ગાગડિયા નદીમાં નાહવા પડ્યોને મોત આંબી ગયુ

અંટાળિયા-સાજણટીના વચ્ચે નદીના કાદવ-કાંપમાં પગ ખુંચી જતાં યુવક પાણીમાં ગરક થઈ ગયો

સાતમ-આઠમની રજાઓમાં વતન આવેલા હરીપર ગામના 36 વર્ષીય યુવાનનું લીલીયા તાલુકાના અંટાળિયા અને સાજણટીંબા ગામ વચ્ચે આવેલી ગાગડિયા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સુરતની ડાયમંડ કંપનીમાં નોકરી કરતા ધર્મેશ નરસિંહભાઈ મકાણી રજાઓમાં વતન આવ્યા હતા. અને મિત્ર સાથે બહાર નીકળ્યા હતા. દરમિયાન નદીમાં નાહવા પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, હરીપર ગામના ધર્મેશ મકાણી સુરત ખાતે રામકૃષ્ણ ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા. સાતમ-આઠમની રજાઓ હોવાથી તેઓ વતન આવ્યા હતા. દરમિયાન લીલીયા ખાતે એક પ્રસંગ માટે ભજીયાના મરચાં લેવા માટે તેઓ પોતાના મિત્ર સાથે નીકળ્યા હતા. અંટાળિયા અને સાજણટીંબા ગામ વચ્ચે પહોંચ્યા બાદ તેઓ ગાગડિયા નદીમાં નાહવા પડ્યા હતા.
નદીમાં નાહતી વખતે અચાનક ધર્મેશભાઈનો પગ કાદવ-કાંપમાં ખૂંપી ગયો હતો. જેના કારણે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવને પગલે આસપાસના લોકો દ્વારા તેમને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ પાણીમાં ડૂબી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, ડો. તોમર સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મકાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.
ધર્મેશ મકાણી લીલીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વિનુભાઈ મકાણીના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. રજાઓમાં પરિવાર સાથે સમય વિતાવવા વતન આવેલા યુવાનનું અચાનક મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રજાઓના માહોલ વચ્ચે બનેલી આ દુ:ખદ ઘટનાએ પરિવારજનો સહિત સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.

રિલેટેડ ન્યૂઝ