લીંબડી હાઈવે પર કાળમુખો ત્રિપલ અકસ્માત જંબુસરના સાળા-બનેવીનું મોત, 7 ઈજાગ્રસ્ત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક આવેલા કટારિયા ગામ પાસે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. પૂર્ણ ઝડપે જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું અચાનક ટાયર ફાટતાં બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી. રોંગ સાઈડમાં સામેથી આવી રહેલી કાર અને ટ્રેલર વચ્ચે બસ અથડાતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 7 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
દ્વારકા દર્શને જતાં પરિવાર પર કાળનો પંજો
મળતી માહિતી મુજબ, ભરૂચના જંબુસર ખાતે રહેતો પરિવાર પોતાની કાર લઈને ગઇ રાતે દેવભૂમિ દ્વારકા દર્શન અર્થે જઈ રહ્યો હતો. પરિવાર ખુશી ખુશી ધાર્મિક યાત્રાએ નીકળ્યો હતો, પરંતુ લીંબડી નજીક પહોંચતા જ કાળમુખી બસે તેમની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી.
હાઈવે પર પુરપાટ ઝડપે દોડી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ધડાકાભેર ફાટતા જ ચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બસ રોડ વચ્ચેનું ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી. એ જ સમયે સામેથી આવી રહેલી જંબુસરના પરિવારની કાર એક ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે આવી જતાં કાર સેન્ડવિચ બની ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભૂકો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં કારની પાછળની સીટ પર બેઠેલા મૃતકોના નામ: દિનેશભાઇ પરમાર (બનેવી) અને મુકેશભાઈ પરમાર (સાળો)નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા જયારે ગંભીરઈજાગ્રસ્તોમાં અતુલભાઈ દિનેશભાઇ (રહે. જંબુસર), રોહનભાઈ વિજયભાઈ (રહે. જંબુસર), સિંધવ જયરાજ (રહે. માળીયા), દશરથભાઈ, સમીરભાઈ મનસુખભાઈ, પરમાર સંજયભાઈ (રહે. માલપુર) અને હાર્દિકભાઈ પરમારને ગંભીર ઈજા પહોચી હતી.
આ અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી તમામ 7 ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
ગોઝારા અકસ્માતને પગલે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી ભારે જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ