બોટાદમાં રૂ. 1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપ મામલે કોળી સમાજની બેઠક યોજાઈ

સી.એમ., ડે.સી.એમ.ને રજૂઆત કરવા, સીટની રચના કરવા અંગે થઈ ચર્ચા

બોટાદમાં રૂ.1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપોને લઈને કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, પોલીસ અને રાજકીય આગેવાનો દ્વારા કોળી સમાજના એક યુવક પાસેથી રૂ.1 કરોડનો કથિત તોડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, બેઠકમાં સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે આગામી દિવસોમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સરકારના આગેવાનો સમક્ષ રજૂઆત કરવાનો તેમજ સમગ્ર મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે જઈંઝ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો, સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, માત્ર એક યુવક જ નહીં પરંતુ અન્ય અનેકો લોકો અને અન્ય સમાજના ઓનલાઈન ગેમીંગ સાથે સંકળાયેલા લોકો પણ નાની-મોટી રકમના કથિત તોડનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે, ભોગ બનનાર તેમજ તેમના સગા સંબંધીઓને આગેવાનો મળ્યા હોવાનું તેમજ ઈન્કમટેક્સ તપાસ સહિતની અનેકવિધ ધમકીઓ પણ આપવામા આવી રહી હોવાનો પણ આરોપ.
બોટાદમાં રૂ.1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપોને લઈને કોળી સમાજમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે, આ મામલે બોટાદ ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ સામાજિક બેઠક 7 સપ્ટેમ્બરના રોજ બોટાદ ખાતેના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, બેઠકમાં બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી ઠાકોર સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી ઠાકોર સમાજના ઉપપ્રમુખ પ્રવીણભાઈ સાકરીયા, જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ, બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ, બોટાદ તાલુકા ભાજપના પૂર્વ પ્રવક્તા નરશીભાઈ અણીયાળીયા, જિલ્લા કોંગ્રેસ બોટાદના પૂર્વ મહામંત્રી ધનજીભાઈ ગોહિલ, તેમજ બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને ગઢડા નગરપાલિકા સદસ્ય અજયભાઈ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભોગ બનનાર યુવક અને એમના સંબંધીઓને પોલીસ અને રાજકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આરોપો પણ મૂક્યા છે, આ સાથે જ ઈન્કમટેક્સના દરોડા, ઓનલાઈન ગેમિંગ મામલે ફરિયાદ કરવાની તેમજ ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો પણ બેઠકમાં કરવામાં આવ્યા હતા, જોકે, હાલ આ મામલે ભોગ બનનાર વ્યક્તિ, પોલીસ અધિકારી કે કોઈ રાજકીય આગેવાનનું ચોક્કસ નામ જાહેર કરવામાં આવ્યા નથી, સમાજના આગેવાનોનું કહેવું છે કે, નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવશે તો સમગ્ર મામલામાં સંડોવાયેલા લોકોના નામ બહાર આવી જશે, બેઠકમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, આ માત્ર એક યુવકનો મામલો નથી. અન્ય કેટલાક લોકો પણ નાની-મોટી રકમના કથિત તોડનો ભોગ બન્યા હોવાની માહિતી મળી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું, જો આગામી દિવસોમાં જરૂર જણાય તો ભોગ બનનાર લોકોના નામ જાહેર કરવાની પણ તૈયારી હોવાનું જણાવાયું હતું, સમાજના આગેવાનો દ્વારા હવે આ મામલો રાજ્ય સરકાર સુધી લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે, આગામી દિવસોમાં કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે.
બેઠક બાદ મયુરભાઈ જમોડે જણાવ્યું હતું કે, સમાજના અગ્રણીઓ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરશે અને સમગ્ર મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે જઈંઝ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવશે, આ મામલે કોળી સમાજના બોટાદના ધારાસભ્ય (નામ લીધા વગર) (ઉમેશ મકવાણા)ને સાથે રાખીને સમાજના અન્ય આગેવાનોની આગેવાનીમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હોવાનું જણાવાયું છે, જરૂર પડશે તો આ મામલો દિલ્હી સુધી લઈ જઈ રજૂઆત કરવામાં આવશે તેવી પણ આગેવાનો દ્વારા વાત કરવામાં આવી છે, બેઠકમાં હાજર ન રહી શકેલા સમાજના કેટલાક આગેવાનો પણ ટેલિફોનીક સંપર્કમાં રહીને આ મામલે સાથે હોવાનું જણાવાયું હતું, સાથે જ માત્ર કોળી સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો તેમજ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા પણ ટેલિફોનીક સંપર્ક કરી સાથ-સહકાર આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, હાલ સમગ્ર મામલો આક્ષેપોના આધારે ચર્ચામાં છે અને પોલીસ કે સંબંધિત રાજકીય આગેવાનો તરફથી આ આક્ષેપો અંગે સત્તાવાર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ રૂ.1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપોને લઈને કોળી સમાજ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે હવે ગાંધીનગર સુધી લડત લઈ જવાની જાહેરાત કરવામાં આવતા બોટાદના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.

રિલેટેડ ન્યૂઝ