પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી
ઓખામાં પતિ સાથે બોલાચાલી થયા બાદ પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી છે.
બિહાર રાજ્યના છપરા જિલ્લાના રિવિલગંજ ગામના મૂળ વતની અને હાલ ઓખામાં કોસ્ટગાર્ડ વિસ્તારમાં રહેતા મુસ્કાન કુમારી વિકાસ ભાસ્કર નામના 29 વર્ષના મહિલા ગત તા. 6 ના રોજ કોઈ બાબતે ગુસ્સામાં પોતાના ઘરે કંઈક બોલી રહ્યા હતા. જેથી તેમના પતિ વિકાસ ભાસ્કરે તેમને ઊંચા અવાજે શાંતિ રાખીને ખોટો ગુસ્સો ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબત અંગે મુસ્કાન કુમારીને મનમાં લાગી આવતા તેમણે પોતાના રહેણાંક મકાનના રૂમમાં આવેલા પંખાના હુકમાં પોતાની ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કોસ્ટ ગાર્ડના કર્મચારી એવા મૃતકના પતિ વિકાસ ભાસ્કર બ્રહ્મદેવનારાયણ જ્ઞાની (ઉ.વ. 32) એ ઓખા મરીન પોલીસને કરી છે.
દ્વારકાના મહિલાને મારી નાખવાની ધમકી
દ્વારકાના રેતવા પાડો વિસ્તારમાં રહેતા ઈલાબેન દીપકભાઈ વિઠલાણી નામના 48 વર્ષના મહિલા સાથે જૂની અદાવતનું મન દુ:ખ રાખી, આરોપી યોગેશ બીપીનભાઈ ભટ્ટ, બીપીનભાઈ ભટ્ટ, ગાયત્રીબેન બીપીનભાઈ, શીતલબેન બીપીનભાઈ, મધુબેન બીપીનભાઈ અને નેહલબેન યોગેશભાઈ ભટ્ટ નામના છ વ્યક્તિઓએ એકસંપ કરી, ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી તથા સાહેદોને મારવાની તથા એક-એકને વીણી વીણીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે દ્વારકા પોલીસે ચાર મહિલાઓ સહિત તમામ છ વ્યક્તિઓ સામે બીએનએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ચાર માછીમાર સામે કાર્યવાહી
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં એક ફિશીંગ બોટમાં ફિશીંગ કરવા માટે ચાર વ્યક્તિઓના ટોકન લીધા બાદ ચારના બદલે ત્રણ વ્યક્તિઓ ફિશીંગ માટે જતા આ અંગે ખંભાળિયા તાલુકાના આંબલા ગામના અકિલ કાસમ ગજણ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઓખા નજીકના બેટ વિસ્તારમાંથી ટોકન જમા કરાવ્યા વગર જુના ટોકન મુજબ પુન: માછીમારી કરવા ગયેલા ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના તાલબ કાસમ સંઘાર તેમજ અન્ય એક આરોપી એવા સિક્કા ગામના રહીશ સબીર અબ્દુલ સંઘાર તેમજ ઓખાના દાતારી ચોક વિસ્તારમાં રહેતા રજાક હાજી સુંભણીયા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
