બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
જામજોધપુર તાલુકાના મહિકી ગામના બે ભાઈ સોમવારે સાંજે બાઈક પર સતાપર થી મહિકી ગામ તરફ જવા નીકળ્યા ત્યારે વરવાળા ગામ નજીક ગોળાઈમાં બાઈક સાથે ઈકો મોટર ટકરાઈ પડતા થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મોટાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નાનાભાઈને ઈજા થઈ છે. મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામજોધપુર તાલુકાના મહિકી ગામના પાટીયા પાસે રહેતા અશોકભાઈ મગનભાઈ સાંથલપરા નામના પ્રૌઢના મોટા પુત્ર મેરૂભાઈ તથા નાના પુત્ર વિશાલભાઈ ગઈકાલે સાંજે મોટરસાયકલમાં સતાપર ગામે કામ માટે ગયા હતા. ત્યાંથી કામ પૂર્ણ કરી મેરૂભાઈ તથા વિશાલભાઈ મહિકી તરફ આવવા માટે રવાના થયા હતા. તેઓ જ્યારે વરવાળા ગામથી આગળ ગોળાઈમાં પહોંચ્યા ત્યારે જીજે-6-એચએસ 6550 નંબરની ઈકો મોટર ચાલકે બાઈકને હડફેટે લેતા મેરૂભાઈ તથા વિશાલભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં મેરૂભાઈનું માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે વિશાલભાઈને સાથળમાં ઈજા થઈ છે. આ અકસ્માત અંગે જામજોધપુર પોલીસ મથકમાં અશોકભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. અને તપાસ હાથ ધરી છે.
