ઉના ગીરગઢડા પંથકમાં મેઘરાજા રિસાતા ધરતીપુત્રો પર આભ તૂટી પડ્યું : પાક સુકાતા ચિંતીત

ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવવાનો વારો આવ્યો : કુવાના તળીયા દેખાવા લાગ્યા : વીધે રૂા. 15 થી 20 હજારનું નુકશાન થવાની ભીતી

આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોની આશા હવેધીમેધીમે નિરાશામાં ફેરવાઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેતી પર સંકટના કાળાવાદળો ઘેરાયા છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકામાંમગફળીસહિતનાપાકને પૂરતું પાણી ન મળતાં ખેતરોમાં લીલોતરીના બદલે પીળાશ છવાઈ ગઈ છે. એક સમયે લહેરાતા મગફળીના પાક હવે પાણીના અભાવે સુકાઈ જતાં ખેડૂતોને ભારે હૈયે પોતાના જ ઉભા પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવાની ફરજ પડી રહી છે.ખેડૂતો માટે આ માત્ર પાક નિષ્ફળ જવાની વાત નથી, પરંતુ મહિનાઓની મહેનત, કરેલું રોકાણ અને પરિવારના ભવિષ્યની આશા જમીનમાં ભેળવી દેવાનો કાળજું કંપાવી નાખે એવો પ્રસંગ બની રહ્યો છે. ક્યાંક ખેડૂતો ઉભી મગફળીનો પાક ટ્રેક્ટરથી નાશ કરી રહ્યા છે, તો ક્યાંક બચેલો પાક મજૂરો રાખીને કાઢવાની મજબૂરી ઊભી થઈ છે. પરંતુ મજૂરી, દવા અને અન્ય ખર્ચ બાદ હાથમાં આવતી ઉપજમાંથી ખર્ચ પણ વસૂલ થશે કે નહીં તે અંગે ખેડૂતોમાં ભારે ચિંતા છે.
વરસાદની રાહ જોતા ખેતરોમાં પાક બળી રહ્યો ચાલુ ખરીફ સીઝનમાં સારો વરસાદ થશે અને મગફળી નો પાક સારી આવક આપશે તેવી આશાએ ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો હતો. પરંતુ વરસાદ ખેંચાતા મગફળીના છોડને જરૂરી ભેજ અને પિયત ન મળતાં પાક પીળો પડી ગયો છે. અનેક ખેતરોમાં છોડ સુકાઈ જવાની સાથે મગફળી નો વિકાસ પણ અટકી ગયો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, મગફળી સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલાં જ વરસાદની અછત સર્જાતા પાકમાં અપેક્ષિત ઉત્પાદન થવાની શક્યતા ઘટી ગઈ છે. બીજી તરફ ખેતરોમાં રહેલા કૂવા પણ હવે તળિયા દેખાડવા લાગ્યા છે. થોડું ઘણું પાણી ઉપલબ્ધ હોય તેવા ખેડૂતો પણ નિયમિત સિંચાઈ કરી શકતા નથી. કૂવામાં પાણી છે, પણ વીજળીના ધાંધિયાથી પિયત અટવાઈ ખેડૂતોની મુશ્કેલી માત્ર વરસાદ પૂરતી મર્યાદિત નથી. કેટલાક ખેડૂતોના ખેતરોમાં કૂવામાં થોડું ઘણું પાણી બચ્યું છે, પરંતુ પૂરતો અને નિયમિત વીજ પુરવઠો ન મળતાં તે પાણી પણ પાક સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદ નહીં અને પિયતની વ્યવસ્થા પણ અપૂરતીઆ બેવડી માર વચ્ચે મગફળીનો પાક બચાવવો ખેડૂતો માટે પડકાર બનીગયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વીજ પુરવઠો મળે તો કૂવામાં બચેલા પાણીથી અમુક અંશે પાકને બચાવી શકાયવીજ પુરવઠાની અનિયમિતતાના કારણે સિંચાઈનું આયોજન ખોરવાઈ જાય છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘા મગફળી પાછળ બિયારણ, ખાતર, દવા, વાવણીથી લઈને મજૂરી સુધી નો ખર્ચ અંદાજે રૂ.15 હજારથી રૂ.20 હજાર સુધી પહોંચી જાય છે. અનેક ખેડૂતોએ બેંકમાંથી ધિરાણ મેળવી ખેતીમાં નાણાં લગાવ્યા હતા. સારો વરસાદ થશે અને સારો પાક આવશે તો દેવું ચૂકવી પરિવારનો ખર્ચ કાઢી શકાશે તેવી આશા રાખી હતી.પરંતુ વરસાદ ખેંચાતા આગણિત ખોરવાઈ ગયું છે. હવે પાક બચાવવા વધુ ખર્ચ કરવો કે નુકસાન સ્વીકારી ખેતર ખાલી કરી દેવું તેવી દ્વિધામાં ખેડૂતો મુકાયા છે. બચેલો પાક કાઢવા માટે મજૂરો રાખવા પડે તો મજૂરીનો વધારાનો બોજ પણ માથે પડી રહ્યો છે. ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ નારણભાઈ જાખોત્રાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચાલુ સીઝનમાં તેમણે સોખડા ગામની ખેતીની પોતાની 6 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. સારા વરસાદની આશાએ મહેનત અને ખર્ચ કર્યો હતો. જોકે યોગ્ય સમયે વરસાદ નમળતાંમગફળી પીળી પડી ગઈ અને ધીમે ધીમે પાક બળવા લાગ્યો.
પાકને બચાવવાની તમામ આશાઓ ધૂંધળી થતાં આખરે ભારે હૈયે તેમણે પોતાની 6 વીઘા મગફળીના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દેવાની ફરજ પડી.મહિનાઓ ની મહેનતને ક્ષણોમાં જમીનમાં ભેળવી દેતી આ ઘટના ખેડૂતોની હાલતનું જીવંત ચિત્ર રજૂ કરે છે. વરસાદની સ્થિતિ અને ખેતીના પાકની હાલતનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. જે વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો છે ત્યાં નુકસાનીનું વાસ્તવિક મૂલ્યાંકન કરી ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવામાં આવે.વરસાદના અભાવે ઘાસચારો અને પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ છે. આવી સ્થિતિમાં ખેડૂતોનીમાંગછે કેગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજ જાહેર કરવામાં આવે, જેથી ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોને આ સંકટ માંથી બહાર આવવામાં મદદ મળી શકે. ખેડૂતો દ્વારા ખેતીલક્ષી લોન, વીજ બિલ તથા અન્ય આર્થિક બોજ અંગે પણ રાહત આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. હવે નજર સરકાર દ્વારા કરવામાં આવનારા સર્વે અને જાહેર થનારી સહાય પર મંડાઈ છે.

એક તરફ કુદરત રૂઠી, બીજી તરફ વીજ પુરવઠાની અનિયમિતતા!
ખેડૂત ભરતભાઈ વાઢેરએ જણાવ્યું હતું કે ખેડૂતો હાલ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ જે ખેડૂતોના કૂવામાં થોડું ઘણું પાણી બચ્યું છે તેઓ પણ નિયમિત વીજ પુરવઠાના અભાવે પાકને પૂરતું પિયત આપી શકતા નથી. ખેડૂતો કહે છે કે વરસાદના અભાવે પાકને બચાવવા માટે કૂવામાં રહેલા પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ વીજ પુરવઠો પૂરતો અને નિયમિત ન મળતાં સિંચાઈનું આયોજન મુર્શ્કેંલ બને છે. પરિણામે આંખ સામે પાક સુકાતો જોવાનો વારો આવ્યો છે. ભરતભાઈના જણાવ્યા મુજબ, બિયારણ, ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ પાછળ કરવામાં આવેલો મોટો ખર્ચ હવે ખેડૂતોના માથે દેવા સમાન બની રહ્યો છે. પાક બચાવવા વધારાનો ખર્ચ કરવાની ક્ષમતા પણ ઘણા ખેડૂતોમાં રહી નથી.ખેડૂતોની માંગ છે કે વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેમજ સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી આર્થિક સહાય જાહેર કરવામાં આવે.

વરસાદે પાક નહીં, ખેડૂતોની આશા પણ સુકવી નાખી!
ખેડૂત સવજીભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેતરમાં ઊભેલા પાકને પૂરતું પાણી મળી શક્યું નથી. પરિણામે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક સુકાઈ જતાં નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે.સારા વર્ષની આશાએ બેંકમાંથી લોન મેળવી બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ નાણાં ખર્ચ્યા હતા. વરસાદ સમયસર અને પૂરતો પડશે તો પાક સારું ઉત્પાદન આપશે અને લોન સહિતનો ખર્ચ નીકળી જશે તેવી આશા હતી. પરંતુ મેઘરાજાએ મોઢું ફેરવતાં હવે આખું ગણિત ઊંધું વળી ગયું છે.સવજીભાઈનું કહેવું છે કે પાક હાથમાં આવે તે પહેલાં જ બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડી ગયો છે. હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને બેંકની લોન કેવી રીતે ભરવી તે ચિંતા સતાવી રહી છે.
30 વીઘામાં વાવેલું સપનું પાણીના અભાવે સુકાઈ ગયું!
ખેડૂત ધર્મેશભાઈના જણાવ્યા મુજબ તેમણે આશરે 30 વીઘા જમીનમાં મગફળી અને ડુંગળીનો પાકવાવ્યો હતો. સારા વરસાદની આશા સાથે ખેતી પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ ખેંચાતા અને પિયત માટે પૂરતું પાણી ઉપલબ્ધ ન રહેતાં પાક જમીન માં જ બળી ગયો અને નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે.30 વીઘા જેટલા મોટા વિસ્તારમાં પાક નિષ્ફળ જતાં નુકસાનનો આંકડો પણ મોટો થયો છે. બિયારણ, ખાતર, દવા, વાવણી તથા મજૂરી સહિતનો ખર્ચ કર્યા બાદ હવે ઉપજમાંથી ખર્ચ નીકળે તેવી પણ સ્થિતિ રહી નથી.ધર્મેશભાઈએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે આ વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને વિશેષ રાહત આપવામાં આવે. સાથે જ ખેડૂતોના ખેતીલક્ષી દેવા તથા વીજ બિલમાં રાહત કે માફી આપવામાં આવે તો જ ખેડૂતો ફરીથી પોતાના ખેતરોમાં ખેતી કરી શકે તેમ છે.

રિલેટેડ ન્યૂઝ