મેઘરાજાએ રૂદ્ર સ્વરૂપ ધારણ કરતા 200થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા: ઘરવખરી, અનાજ સહિતની ચીજ વસ્તુઓને નુકશાન: આખી રાત પાણી વચ્ચે વિતતા તંત્ર સામે લોક રોષ
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગત મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. એકધારા અને ભારે વરસાદના પગલેઆસપાસના ખેતરોનું પાણી ગામ તરફ ધસી આવતાં અનેક વિસ્તારો માં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામના રસ્તા ઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યોસર્જાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો માં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને રાતભર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પાલડી ગામમાં મોડી રાત્રે વરસાદનું જોર વધતાં અચાનક ખેતરાઉ પાણીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વળ્યો હતો.એકસાથે મોટી માત્રામાં પાણી ગામમાં ફરી વળતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણી એટલી ઝડપથી ઘરો તરફ ધસી આવ્યું હતું કે અનેક પરિવારો ને ઘરનો સામાન બચાવવાનો સમય પણ મળ્યો ન હતો.
ગામના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં એક મકાનથી બીજા મકાન સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. કેટલાક વિસ્તારોમાં તો ઘરો ચારે તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જતાં અનાજ, ઘરવખરી, કપડાં સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે આશરે 2 હજાર હેક્ટર વિસ્તારમાંથી વરસાદી પાણી એકસાથે નીચાણ તરફ ધસી આવતાં પાલડી ગામમાં પાણીની સ્થિતિ ગંભીર બની હતી. પાણીના ધસમસતા પ્રવાહ ના કારણે લોકો એકબીજાના ઘરે પણ પહોંચી શકતા ન હતા. અનેક પરિવારો પોતાના ઘરમાં જ પાણી વચ્ચે ફસાયેલા રહેવા મજબૂર બન્યા હતા.
પાણી ઘરમાં ઘૂસી જતાં કેટલાક પરિવારોને રાતભર જાગીને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. ઘર નો સામાન પાણીમાં પલળી જતાં અને કેટલીક વસ્તુઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતાં પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
પાલડી ગામના સરપંચ મનુભાઈ વાધેલાના જણાવ્યા મુજબ આશરે 200 જેટલા ઘરોમાં વરસાદી પાણીની અસર પહોંચી હતી. રાત્રિના સમયે જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં સવાર સુધી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ન હોવાનું સરપંચે જણાવ્યું હતું. પાલડીની સાથે કેસરિયા ગામમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. કેસરિયાના નવાપરા વિસ્તાર, બાંભણીયા શેરી તેમજ રામદેવપીર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા.
રાત્રિના સમયે પાણીનો પ્રવાહ સતત વધતો જતાં સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી. ઘરોની આસપાસપાણી ફરી વળતાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.અનેક પરિવારોએ રાતભર પાણી વચ્ચે રહીને પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાંવાહનવ્યવહાર ને પણ અસર પહોંચી હતી. સવાર થતાં વરસાદી પાણી થોડું ઓસરતાં લોકો ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવા તેમજ પલળી ગયેલી ઘરવખરી અને અનાજને બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા. ભારે વરસાદ બાદ પાલડી-કેસરિયા પંથકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં રોડનું કામ કરવામાં આવ્યું છે અને રોડની સપાટી ઊંચી કરવામાં આવી છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણેપાણી રહેણાંક વિસ્તારો તરફ વળ્યું હતું.પરિણામે ભારે વરસાદ કુદરતી આફત હોવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની હોવાનો સ્થાનિકોએઆક્ષેપ કર્યોં હતો
દરિયાઈ પટ્ટાના પાલડી અને કેસરિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ, પાણીના વહેણ માટેના માર્ગો તથા જરૂરી સ્થળોએ નાળાં બનાવવાની માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સામાન્ય વરસાદમાં પણ જો ખેતરોનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય તો ભવિષ્યમાં વધુ ભારે વરસાદની સ્થિતિમાં મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના કુદરતી વહેણમાં આવતા અવરોધો દૂર કરવામાં આવે તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાત્રિના સમયે અચાનક આશરે 2 હજાર હેક્ટર વિસ્તારમાંથી વરસાદી પાણી એકસાથે ગામ તરફ ધસી આવ્યું હતું. જેના કારણે ચારે તરફ પાણી ફરી વળતાં લોકો એકબીજાના ઘર સુધી પણ પહોંચી શકતા ન હતા. ખેતરાઉ પાણી ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરી, અનાજ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન થયું છે. પાલડી ગામના આશરે 200 ઘરોમાં પાણીની અસર પહોંચી છે. રાત્રિના સમયે જ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં સવાર સુધી કોઈ ટીમ સ્થળ પર પહોંચી ન હોવાનું સરપંચ મનુભાઈ વાધેલાએ જણાવ્યું હતું.
