યુવા વેપારીએ હાથ છોડાવી નાશી જતા બચી ગયા: ચાર શખ્સોનું પરાક્રમ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પૂજા કરવા જઈ રહેલા વેપારીને અજાણ્યા ચાર શખ્સોએ રસ્તામાં રોકી તેનું એક્ટિવા ઊભું રખાવી ચાવી લઈ લીધી હતી અને બળજબરીથી પોતાની કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વેપારીએ શખ્સોની પકડમાંથી હાથ છોડાવી શેરીમાં દોડી જતાં તેનો બચાવ થયો હતો. બનાવ બાદ ચારેય શખ્સો સફેદ કારમાં નાસી છૂટ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહુવાના સર્વોદય સોસાયટીમાં રહેતા જય હિતેશભાઈ દોશી માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ તરીકે વ્યવસાય કરતા હતા. સવારે તેઓ પૂજાના કપડાં અને ખેસ પહેરી કાળા કલરના એક્ટિવા પર પારેખ કોલેજ પાછળ આવેલા વાસુપૂજ્ય જૈન દેરાસરે પૂજા કરવા જઈ રહ્યા હતા.
દરમિયાન જાદરા રોડ પરથી શેરીમાં વળ્યા બાદ થોડે આગળ ત્રણથી ચાર અજાણ્યા શખ્સો રોડ પર આડા ઊભા હોવાથી તેમણે એક્ટિવા ઊભું રાખ્યું હતું. તેમાંથી ક્રીમ કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્સે પાસે આવી નીચે ઉતરવાનું કહી એક્ટિવાની ચાવી લઈ લીધી હતી અને ગાળો આપી હતી. બાદમાં તેણે વેપારીનો જમણા હાથનો બાવડું પકડી બાજુમાં ઊભેલી સફેદ કાર તરફ બળજબરીથી લઈ જવાનું શરૂ કર્યું હતું.
વેપારીએ કાર પાસે અન્ય શખ્સોને ઊભેલા જોઈ પોતાનો હાથ છોડાવવા બે વખત ઝાટકો મારતાં પકડ છૂટી ગઈ હતી અને જીવ બચાવવા શેરીમાં દોડી ગયા હતા.
આ દરમિયાન ચારેય શખ્સો કારમાં બેસી મોટા જાદરા રોડથી બાયપાસ નેશનલ હાઈવે તરફ નાસી છૂટ્યા હતા. વેપારી થોડો સમય શેરીમાં એક પરિચિતના ઘર પાસે ઊભા રહ્યા બાદ ઘરે પહોંચ્યા હતા અને પિતાને બનાવની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ પિતા, કુટુંબી ભાઈ તથા મિત્ર સાથે મહુવા પોલીસ મથકે પહોંચી અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરાઈ છે.
