સૌરાષ્ટ્રમાં મેઘવિરામ: માંડવીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

અબડાસામાં બે, મુંદ્રામાં દોઢ, ડોળાસા- દ્વારકામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો: કચ્છ-પંથકમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સોમવારે સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મંગળવારે મેઘરાજાએ કચ્છ જિલ્લાનો વારો કાઢ્યો હતો. માંડવીમાં અનરાધાર 7 ઈંચ વરસાદ વરસતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. તો અબડાસામાં બે, મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મંગળવારે મેઘવિરામ રહ્યો હતો. તો કેટલાક સ્થળોેએ છુંટાછવાયા ઝાપટા વરસ્યા હતાં.
રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી તા. 17 સુધી અનરાધાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે સોમવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. મંગળવારે વહેલી સવારથી વરાપ નિકળ્યો હતો. ડોળાસા અને દ્વારકામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
તો બીજી તરફ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સોમનાથ, ઉના, કોડીનાર, અમરેલી, ભાવનગર, દ્વારકા જિલ્લાના છુંટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં.
મંગળવારે વહેલી સવારથી મેઘરાજાએ કચ્છ જિલ્લામાં હેત વરસાવવાનું શરૂ કર્યુ છે. સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કચ્છના માંડવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનરાધાર 7 ઈંચ વરસાદથી જળબંબોળ થયું હતું. તો અબડાસામાં બે ઈંચ, મુંદ્રામાં દોઢ ઈંચ, વરસાદ ખાબક્યો હતો. નદીઓ બે કાંઠે વહેતી થતા શહેરી વિસ્તારોમાં કમર સુધીના પાણી વહ્યા હતાં.
માંડવી શહેરના નિચાણવાળા વિસ્તારો ચારે બાજુથી પાણીથી ઘેરાયા છે. સલાયા, નવાપરા, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. માંડવી તાલુકાની મોટી રાયણ ગામે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. બાડા ગામે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નખત્રાણાના નેત્રા ગામે જોરદાર ઝાપટુ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં.
જામનગર
જામનગરમાં સારો વરસાદ થતાં શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં નવા પાણીની આવક થવા પામી હતી.
જામખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી શરૂ થયેલી મેઘ સવારી આજે પણ બરકરાર રહી હતી. ખંભાળિયા શહેરમાં ધોધમાર એક ઈંચ (22 મી.મી.) પાણી પડી ગયું હતું. ત્યારે દ્વારકામાં ધીમીધારે સતત પોણો ઈંચ (20 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. ભાણવડ તાલુકામાં 4 અને કલ્યાણપુર તાલુકામાં 1 મી.મી. પાણી પડી ગયું હતું. જોકે જિલ્લામાં મહદ અંશે દિવસ દરમિયાન મેઘવિરામ રહ્યો હતો.
સલાયા
સલાયામાં વરસાદી વાતારવરણ જોવા મળ્યું હતું.સવારના સમયે પણ એક ઝાપટું વરસી ગયું હતું.જે બાદ સાંજે ફરી વરસાદ ચાલુ થયો હતો જે 7 વાગ્યા બાદ વધુ વરસવાનું ચાલુ થયું હતું.હાલ સલાયા બંદર ઉપર મદદનીશ મત્સ્ય ઉધોગ નિયામક કચેરી દ્વારા આજથી આગામી 5 દિવસ માટે દરિયામાં ફિશીંગ બોટોને ન જવા સૂચના અપાઈ છે.તેમજ 5 દિવસ માટે દરિયામાં જવા માટે ઇસ્યૂ કરવામાં આવતા ટોકન બંધ કરી દેવાયા છે.તેમજ દરિયામાં જે બોટો ફિશિંગમાં છે એમને પણ તુરંત પરત ફરવા સૂચના અપાઈ છે.હાલ 3 નંબરનું સિગ્નલ લાગતા દરિયામાં મોટા મોઝાઓ ઊછળે અને દરિયો તોફાની બને એવું આ સિગ્નલ સૂચવી રહ્યું છે.
પ્રભાસપાટણ
વેરાવળ પંથકમા શરૂઆતના વરસાદ બાદ વરસાદે લાબો વિરામ લેતાં ખેડૂતો ખુબજ મુશ્કેલીમા મુકાયેલા હતા અને તેમનો પાક બચાવવા પીયત કરેલ ફુવારાથી પાણીનો છંટકાવ કરી અને મગફળી સહિતના પાકો ને બચાવવા પુરા પ્રયત્નો કરવામાં આવેલ અને મહા મુસીબતે પાકને બચાવેલ અને હાલ જે બે દિવસથી વરસાદના ઝાપડા પડી રહેલ છે જેથી પાકને પાણી મળી ગયેલ છે જેથી હાલ પુરતી રાહત થયેલ છે પરંતુ હજુ મન મુકિને વરસાદ વરસે તેની રાહ જોવાઇ રહી છે.
ડોળાસા
કોડીનાર તાલુકા ના ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ની મહેર વરસી રહી છે. આ કાચા સોના જેવા વરસાદ થી આ વિસ્તાર ના ખેડૂતો ની દિશા સને દશા બદલી નાખી છે. આજે વધુ એક ઇંચ વરસાદ થયો છે. . ડોળાસા વિસ્તાર મા તા.12-9 ના રોજ 44 મી.મી., તા.13-9 ના રોજ 10 મી.મી., તા.14-9 ના રોજ 180 મી.મી.અને આજે તા.15-9 ના રોજ 23 મી.મી.મળી ચાર દિવસ મા 257 મી.મી.વરસાદ વરસી જતા ખેડૂતો, ખેત મજુર વર્ગ, વેપારીઓ સહીત તમામ લોકો ની ચિંતા દુર કરી હર્ષ નો માહોલ સર્જી દીધો છે.

દ્વારકામાં જગત મંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવ્યું
પશ્ચિમ ભારતના મહત્વના તીર્થસ્થાન દ્વારકાના ભવ્ય જગતમંદિર પર આજે ધ્વજા અડધી કાઠીએ લહેરાવાઇ હતી. કારણ કે આજરોજ મંગળવારે વહેલી સવારથી વાતાવરણનો મિજાજ બદલાયો હતો અને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. દ્વારકાના જગત મંદિરમાં દરરોજ છ ધ્વજાજી ચડાવવામાં આવે છે. અને ધ્વજાજી ચડાવવા માટે ખૂબ મોટું વેઇટિંગ લિસ્ટ રહેલું છે. ભક્તોની મનોકામના પૂર્ણ થયે ધ્વજાજી ચડાવીને ભક્તો શ્રીજી સમક્ષ આભાર પ્રગટ કરે છે. તડકો હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય પરંતુ દરરોજ ને માટે છ ધ્વજાજી ચડાવવાનો નિયમ રહેલો છે. દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજાજી ચડાવવાનું કામ કરે છે. 150 ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ 25 ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી અનુસંધાને ભારે પવન તથા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધ્વજા સુરક્ષાના કારણોસર આજે અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ