જૂનાગઢના ડુંગરપુર ગામેથી દૂધનો કાળો કારોબાર પકડાયો

પાંચ મહિનાથી પામોલીન તેલ, પાવડરથી નકલી દૂધ બનાવનાર પકડાયો: રૂા. 86,640નો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ એ જૂનાગઢના ડુંગરપુર ગામેથી ધોળા દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એક આરોપીને પકડી પાડી, નકલી દૂધ બનાવવામાં વપરાતી સામગ્રી અને સાધનો મળી કુલ રૂ. 86,640 નો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ચાંદની ચોકમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના ઘરે નકલી દૂધ બનાવી તેનું વેચાણ કરે છે.
ક્રાઈમ બ્રાન્ચને આ હકીકત બાતમી મળતા જ, બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમને સાથે રાખી, બાતમી વાળી જગ્યા એ દરોડો પાડી, તપાસ કરતા સ્થળ પરથી 35 લિટર નકલી દૂધ, 12 ડબ્બા પામોલીન તેલ, અમુલ સાગર બ્રાન્ડના દૂધ પાવડરના પેકેટો સહિત રૂ. 86,630 નો મુદ્દામાલ મળી આવતા પોલીસ અને ફૂડ વિભાગે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો. અને સ્થળ પરથી આરોપી ઇકબાલ ચૌહાણ મળી આવતા તેને ઝડપી પાડી, સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે, આરોપી છેલ્લા ચાર-પાંચ મહિનાથી પામોલીન તેલ અને દૂધ બનાવવાનો પાવડર મિક્સર પ્રોસેસ કરી નકલી દૂધ બનાવતો હતો. આ માટે પામોલીન તેલ અને દૂધ બનાવવાનો પાવડર તે મેંદરડા ખાતે આવેલ મયૂર ટ્રેડિંગવાળા મહેશભાઈ પાસેથી ખરીદતો હતો.તથા આ નકલી ઘટ પ્રવાહીને સાચા દૂધમાં મેળવીને તે દરરોજ આશરે 800 લીટર (20 થી 22 કેન) દૂધ બનાવી નાગલપુરમાં પ્રાઇવેટ ડેરી ચલાવતા ડાહ્યાભાઈ અને નાંદરખી ગામે ડેરી ચલાવતા મીતુલભાઈને વેચતો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ સરેરાશ 1200 થી 1500 લિટર દૂધ એકઠું થતું હતું, જે દૂધ માળિયા ચીલિંગ સેન્ટરમાં મોકલાતું હતું. જ્યારે નાગલપુરના દાયાભાઈ પાસે પણ રોજનું 1500 થી 2000 લિટર દૂધ એકત્રિત થતું હતું, જે વડાલ ફાટક પાસે આવેલી સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું.
જૂનાગઢના ડુંગરપુર ગામે ચાલતા ભેળસેળ વાળા દૂધ વિશાળ પ્રમાણમાં લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું. ત્યારે આ નકલી દુધનો રેલો કયા પહોંચે છે, તે અંગે પોલીસ દ્વારા ગંભીરતાથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરાવવામાં આવી છે. અને બનાવટી દૂધ અને સામગ્રીના નમૂનાઓ મેળવી વધુ પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. બીજી બાજુ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી, પાડેલ દરોડા સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ મોટા મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. તે સાથે દૂધના કાળા કારોબારમાં જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ
જૂનાગઢમાં ધોળા દૂધનો કાળો કારાબાર સામે આવ્યો છે. અને પોલીસ દ્વારા પકડાયેલા શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત જુનાગઢ મનપા અને સરકારના ફૂડ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થો ખડા થયા છે કે, ફુડ વિભાગનું કામ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓ શું કરે છે ? માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી તંત્રને “અમે કંઈક કર્યું છે” તેવા ઢોંગ કરતા ફૂડ વિભાગે વાસ્તવમાં જન આરોગ્ય સામે ચેડા કરતા લોકો સામે લાલ આંખ કરવી જરૂરી છે. કારણ કે, જ્યારે પણ ફૂડ વિભાગ ફિલ્ડમાં આવ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થય સાથે ખેલ ખેલતા લોભી લાલાઓના અનેક કરતુંતો સામે આવ્યા છે અને તેમની સામે કાયદેસરથી કાર્યવાહી પણ હાથ ધરાય છે.

રિલેટેડ ન્યૂઝ