જાહેરમાં અપશબ્દો બોલતા શખ્સને ટપારતા મામલો ઉગ્ર બન્યા
ગોંડલ તાલુકાના ચરખડી ગામે જાહેરમાં અપશબ્દો બોલતા શખ્સને ટપારવાની સામાન્ય બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સે પ્રૌઢ પર ઈંટ વડે હુમલો કરી ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પ્રૌઢ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં ચરખડી ગામની કાંતિભાઈ લુહારવાળી શેરી ખાતે રહેતા અને પડવલા નાં પાટીયા પાસે રહેતાં 53 વર્ષીય પ્રૌઢ બાબુભાઈ ઘુસાભાઈ સોલંકી પર ચરખડી રહેતા આરોપી ભગાભાઈ નરશીભાઈ સોલંકી દેવીપૂજક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 08 ના રોજ સવારના સુમારે બાબુભાઈ સોલંકી પોતાના એક્ટિવા પર સવાર થઈને ચરખડી ગામે ગયા હતા. તેઓ ગામમાં કાંતિભાઈ લુહારવાળી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ગામના જ ભગાભાઈ નરશીભાઈ સોલંકી શેરીમાં જાહેરમાં મોટેથી અપશબ્દો બોલતા ચાલી રહ્યા હતા. બાબુભાઈએ તેમને અટકાવીને જાહેરમાં અપશબ્દો બોલવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈને આરોપીએ “તું મને કહેવાવાળો કોણ?” તેમ કહીને ઉગ્ર બોલાચાલી કરી હતી અને અપશબ્દો આપવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા શખ્સે શેરીમાં પડેલી ઈંટનો કટકો ઉપાડીને બાબુભાઈના ડાબા ગાલ પર ઝીંકી દીધો હતો. આરોપીએ બીજો ઘા મારવાનો પ્રયાસ કરતા બાબુભાઈ ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા, ત્યારે હુમલાખોરે “તું ઊભો રહે, તને તો જાનથી મારી નાખવો છે” તેવી ખૂનની ધમકી પણ આપી હતી. હુમલાના ડરથી અને ગભરાયેલી હાલતમાં પ્રૌઢ પોતાના ઘરે દોડી ગયા હતા. પ્રૌઢના ગાલમાંથી લોહી વહેતું હોય, તેમના પુત્ર દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ પ્રૌઢે ગોંડલ તાલુકા પોલીસ મથકે પહોંચીને આરોપી ભગાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
