નિવૃત્ત જજે ચેરમેન પદે ચાર્જ સંભાળતા પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને માહિતગાર કર્યા
રાજ્યમાં ન્યાય પ્રક્રિયાને વધુ સરળ, સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી રાજકોટ સહિત રાજ્યના ચાર જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સત્તાવાર શરૂૂઆત કરવામાં આવી છે. રાજકોટના કાયમી લોક અદાલતના ચેરમેન એન. બી. પીઠવાએ ચાર્જ સભાળ્યા બાદ પ્રેસ કોંફરન્સ યોજી કાયમી લોક અદાલત અંગે લોકોને માહિતગાર કર્યા હતા. રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે મૂળ ગોંડલના વતની અને નિવૃત ડિસ્ટ્રીકટ જે.એન. પીઠવાની નિમણૂક કરવામાં આવી હતી. કાયમી લોક અદાલતના ચેરમેન પદે ચાર્જ સભાળ્યા બાદ એન.બી. પીઠવાએ પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સત્તામંડળો દ્વારા શરૂૂ કરવામાં આવેલી આ કાયમી લોક અદાલતોમાં ખાસ કરીને વીમો, જી.ઈ.બી. (વીજળી), ટ્રાન્સપોર્ટ અને હાઉસિંગ જેવા મહત્વના નાગરિક ક્ષેત્રોને લગતા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા વિવાદોમાં અવારનવાર લાંબો સમય બગડતો હોય છે, જે હવે આ વ્યવસ્થાના માધ્યમથી ત્વરિત ઉકેલી શકાશે. આ કાયમી લોક અદાલતની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ રાખવામાં આવી છે, જે ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક ઉત્તમ પગલું છે. અરજદારોને આ અદાલતમાં કાનૂની સહાય અને ન્યાય સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરો પાડવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગો પણ વિના સંકોચ ન્યાય મેળવી શકશે. આગામી સમયમાં કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોનું ભારે ભારણ ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ્ર્યથી આ અદાલતો શરૂૂ કરવામાં આવી છે. અહીં બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાનના ધોરણે કેસનો નિકાલ કરવામાં આવતો હોવાથી અરજદાર અને ફરિયાદી બંનેને ઝડપી ન્યાયની સાથે સમય અને નાણાંની બચત પણ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે જો આ કાયમી લોક અદાલતમાં કોઈ વિવાદનું સમાધાન ન આવે, તો જ અરજદારે આગળની કાર્યવાહી માટે માત્ર હાઈકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ રહે છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે.
