એઆઈ, ઈવી અને મહાસાગરોનું પુનર્જીવન સહિતના વિષયો પર છાત્રો નાટક રજૂ કરશે
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ સાથે સંકલિત રાષ્ટ્રવ્યાપી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (ગજઉઋ) 2026-27’ ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય રાજ્ય કક્ષાનો ગ્રાન્ડ ફિનાલે તારીખ 14 અને 15 ઓક્ટોબર 2026 દરમિયાન રાજકોટ ખાતે આવેલા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાના શુભ આશય સાથે રંગભૂમિના માધ્યમ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. સ્પર્ધા તાલુકા, જિલ્લા, રાજ્ય, ઝોનલ અને રાષ્ટ્રીય એમ પાંચ તબક્કામાં આયોજિત કરવામાં આવે છે,.
આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય “વિજ્ઞાન અને સમાજ” નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: મિત્ર, સાધન કે ખતરો?, ઇલેક્ટ્રિક વાહનો આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ તેમજ મહાસાગરોનું પુનર્જીવન – પેઢીઓનું સંરક્ષણ જેવા સમકાલીન અને પ્રસ્તુત વિષયો પર પોતાની મૌલિક નાટ્ય-કૃતિઓ રજૂ કરશે.
અગાઉ તારીખ 24 સપ્ટેમ્બર 2026 થી 03 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રોના સક્રિય સંકલનથી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી, જેમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની ક્ષેત્રીય ભાષાઓમાં કુલ 326 જેટલા નાટકો રજૂ થયા હતા. આ તમામ જિલ્લાઓમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા શાળાઓની ટીમો રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના મંચ પર સ્પર્ધા કરશે.
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને સચિવ પી. ભારતીના વડપણ હેઠળ ગુજકોસ્ટ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ છે. ગુજકોસ્ટનાં ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં નાટ્યલેખન, દિગ્દર્શન અને સ્ટેજ પ્રેઝન્ટેશન કૌશલ્ય વિકસે તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મ ડો. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિક ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડશે. નાટકોના તટસ્થ મૂલ્યાંકન માટે નયન ભટ્ટ, અરવિંદ રાવલ, રાજુ યાજ્ઞિક, કપિલ દેવ શુક્લ અને અખ્તર સૈયદ જેવા અનુભવી તજજ્ઞોની નિર્ણાયક પેનલ સેવા આપશે,.
ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમો માટે આકર્ષક રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વિજેતા નાટકને રૂ. 51,000, દ્વિતીય ક્રમે વિજેતા નાટકને રૂ. 31,000 તથા તૃતીય ક્રમે વિજેતા નાટકને રૂ. 21,000 ના રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ માટે પ્રત્યેક કેટેગરીમાં રૂ. 10,000 ના વિશેષ રોકડ પુરસ્કારો આપવામાં આવશે.
રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનનારી ટીમ તારીખ 27 નવેમ્બર 2026 ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાનાર પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ ઝોનલ વિજેતા ટીમ તારીખ 6 જાન્યુઆરી 2027 ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલે (ગજઉઋ) માં સહભાગી થશે. આ નાટ્ય-સ્પર્ધાનો સમાપન સમારોહ અને વિજેતા ટીમોને ઇનામ વિતરણનો કાર્યક્રમ ઓક્ટોબર 15નાં રોજ યોજાશે.
