લોકોમાં જાગૃતી લાવવાનો હેતુ : જાડેજા
ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગ દ્વારા અગ્નિશમન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આગ જેવી આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા સાધનો અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ આગ લાગ્યાની પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તે અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી રહી છે. અગ્નિશમન સપ્તાહ દરમિયાન ફાયર વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, બેંકો, હોસ્પિટલો, શાળાઓ-કોલેજો તેમજ જાહેર સ્થળોએ જઈને ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ફાયર સેફ્ટી સાધનોનું પ્રદર્શન કરી આગ લાગ્યાની સ્થિતિમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી રહી છે.ભાવનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અગ્નિશમન સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ લાવવાનો તેમજ આપત્તિ સમયે ગભરાશો નહીં અને યોગ્ય પગલાં લઈને જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે માર્ગદર્શન આપવાનો છે. અગ્નિશમન સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગદર્શન કાર્યક્રમો, રેલી અને ડેમો દ્વારા જનજાગૃતિ વધારવાના કાર્યક્રમો યોજાશે. શહેરના નાગરિકોએ પણ આવા કાર્યક્રમોમાં જોડાઈ ફાયર સેફ્ટી અંગે માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે.
