420 બોટલ દારૂ કબ્જે: બીજા દરોડામાં 96 બોટલ દારૂ સાથે વિજય પકડાયો
ખોરાણા ગામ પાસે દારૂ ભરેલી રીક્ષા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી હતી. પોલીસને જોઇ રીક્ષાચાલક નાસી ગયો હતો. પોલીસે 420 બોટલ દારૂ અને રીક્ષા સહિત રૂ.1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે કુવાડવા રોડ પોલીસે બેડી ગામમાં મકાનમાંથી દારૂના 96 ચપલા સાથે એકને ઝડપી લીધો હતો અને એક શખસનું નામ ખુલ્યું હતું.
દરોડાની મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એન. પરમારની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રિક્ષા નંબર જીજે 3 એએકસ 4041 માં અરબાઝ શેખ નામનું શખસ દારૂની હેરાફેરી કરી રહ્યો છે અને વાંકાનેરથી રાજકોટ ખોરાણા હડમતિયા બેડીવાળા રોડ પરથી આવે છે જેથી પોલીસની ટીમ ખોરાણા ગામ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ રીક્ષા આવતી દૂરથી દેખાઇ હતી પરંતુ પોલીસને જોઈ રિક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષામાં તપાસ કરતા અંદરથી રૂપિયા 1.33 લાખની કિંમતનો 420 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂપિયા 1,93,200 નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાચાલક અરબાઝ શેખને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એ.બ્લોચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે બેડી ગામ રામાપીર મંદિરની પાછળ હડમતીયા રોડ પર આવેલ મકાનમાં દોરડો પાડી રૂ. 11,520 ની કિંમતના દારૂના 96 ચપસા કબજે કર્યા હતા. દારૂના આ જથ્થા સાથે વિજય હસમુખભાઈ દેગામા (ઉ.વ. 28 રહે. બેડી) ને ઝડપી લીધો હતો જેની પૂછતાછ કરતા આ મકાન કિશોરભાઈ પોલાભાઈ દેગામાનું હોવાનું જણાવ્યું હતું અને તેણે અહીં દારૂ ઉતારવા માટે જગ્યા આપી હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી કિશોર દેગામાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
