સેન્સેક્સ 1700 પોઇન્ટ ગગડ્યા બાદ આંશિક રિક્વરી ફરી યુધ્ધનો ગભરાટ: શેરબજાર પટકાયું-રૂપિયો તૂટ્યો: ક્રૂડમાં તેજી

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 76000ની નીચે ઉતરી ગયા બાદ 581 પોઇન્ટ ઘટીને 76968
ડબલ્યૂટીઆઇ ક્રૂડ 104.45 તથા બ્રેન્ટ ક્રૂડ 102.82 ડોલર: 8 ટકા ઉંચકાયું
સોનામાં 900 તથા ચાંદીમાં 5000 તૂટ્યા: ડોલર સામે રૂપિયો 64 પૈસા ઘટીને 93.38

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં સીઝફાયર બાદ યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જવાના પગલે ફરી વખત યુધ્ધના વાદળો ઘેરાવવા લાગતા અને હોર્મુઝ સ્ટ્રેટ પર સંકટ સર્જાયાના એંધાણ વચ્ચે આજે ફરી એક વખત શેર બજારથી માંડીને તમામ માર્કેટોમાં ગભરાટ સર્જાયો હતો અને મોટી ઉથલપાથલ વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1700 પોઇન્ટ ગગડ્યો હતો અને પછી ઘણા અંશે રીકવર થયો હતો.
સોના-ચાંદીમાં પણ ગાબડા પડ્યા હતા, બીજી તરફ ક્રૂડતેલમાં 8 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. જ્યારે ડોલર સામે રૂપિયો પણ ધરાશાયી થઇ ગયો હતો.
અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયાના અને બંનેએ ફરી વખત હાકલા-પડકારા શરૂ કરી દીધાના સંકેતોના પગલે શેરબજાર શરૂઆતમાં જ ગેપડાઉન ખુલ્યું હતું અને ગભરાટફરી વેચવાલીનો મારો ચાલુ રહેવાના પગલે માર્કેટ સતત નીચે સરકવા લાગ્યું હતું. વાટાઘાટો નિષ્ફળ જવાના પગલે ફરી વખત મધ્ય પૂર્વમાં યુધ્ધ ભડકશે અને આ વખતે આર…યા પાર જેવી લડાઇ જામવાનો ભય વ્યક્ત થવા લાગ્યો હતો. ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરી દેતા હવે અમેરિકાએ પણ ચારેતરફ નાકાબંધી જાહેર કરતાં ક્રુડની સપ્લાઇ ચેઇન સંપૂર્ણ ખોરવાઇ જવાની ભીતિ વ્યક્ત થવા લાગી છે અને તેના કારણે ભારત સહિત દુનિયાભરના દેશોને સપ્લાઇ ચેઇનની સમસ્યા ઉભી થવાની ભીતિ વ્યક્ત થવા લાગતા ગભરાટ વકર્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાનનું યુધ્ધ હવે કેવા વળાંક લે છે તેના પર જ માર્કેટના નવા ટ્રેન્ડનો આધાર રહેશે. હોર્મુઝ ખાડીને કારણે સપ્લાઇ ચેઇન કેટલા અંશે પ્રભાવિત થાય છે અને ભારતમાં પેટ્રોલીયમ સહિતની ચીજવસ્તુઓમાં કેટલા અંશે અસર પડે છે તેના પર ભાવિ ચાલનો સંપૂર્ણ આધાર રહેવાનું માનવામાં આવે છે.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ પ્રારંભિક કામકાજમાં જ 1700 પોઇન્ટ ગગડી ગયો હતો. પછી રિકવરી શરુ થઇ હતી. બપોરે 581 પોઇન્ટના ઘટાડાથી 76968 સાંપડ્યો હતો જે ઉંચામાં 77063 તથા નીચામાં 75868 હતો. નીફટી 177 પોઇન્ટ ઘટીને 23873 હતો જે ઉંચામાં 23907 તથા નીચામાં 23555 થયો હતો.
યુધ્ધની અસરે ક્રુડતેલમાં જબરી તેજી થઇ ગઇ હતી અને ભાવ ફરી વખત 100 ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ડબલ્યુટીઆઇ ક્રુડ 104.45 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 102.82 ડોલર સાંપડ્યું હતું જેમાં 8-8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ધરાશાયી થઇ ગયો હતો. યુધ્ધ અને અર્થતંત્ર પર સંભવિત અસરના ગભરાટ હેઠળ ડોલર સામે રૂપિયો 63 પૈસા ઘટીને 93.38 સાંપડ્યો હતો. સોના-ચાંદીમાં ગાબડા હતા. વિશ્ર્વ બજારમાં સોનુ ઘટીને 4725 ડોલર સાંપડ્યું હતું. સોનુ વાયદામાં 900 રૂપિયા ઘટ્યું હતું. ચાંદી 5000ના ઘટાડાથી 238175 હતી.

રિલેટેડ ન્યૂઝ