મધ્ય પૂર્વમાં સીઝફાયર છતાં અનિશ્ર્ચિતાભર્યા માહોલ અને ભારતમાં પેટ્રોલીયમ તથા વિદેશી હુંડિયામણની કરકસર માટે તોળાતા પગલાના ગભરાટ હેઠળ શેરબજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બની રહ્યો હોય તેમ સેન્સેક્સમાં 1451 પોઇન્ટનો કડાકો હતો. રૂપિયો પણ 32 પૈસા ગગડ્યો હતો જ્યારે ક્રૂડતેલમાં તેજી હતી.
અમેરિકા-ઇરાન વચ્ચે સમજુતીના પ્રસ્તાવને એક બીજાનું સમર્થન ન મળતા ફરી યુધ્ધનું સંકટ સર્જાવાની આશંકા વ્યક્ત થતી હતી. ભારતીય શેરબજારમાં કરકસરના તોળાતા પગલા પર નજર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસમાં ત્રીજી વખત પેટ્રોલીયમ તથા વિદેશી હુંડિયામણની વચત માટે સોનાની ખરીદી-વિદેશ પ્રવાસ આયાતી ચીજો તરફનો ટ્રેન્ડ અટકાવવાનું આહવાન કર્યું હતું. ભારતીય અર્થતંત્ર સંકટમાં સપડાવવાનું જોખમ છે કે કેમ તે વિશે અટકળો વ્યક્ત થતી હતી અને તેના ગભરાટ હેઠળ વેચવાલીના મારા વચ્ચે શેરબજાર વધુ ગગડ્યું હતું. ક્રૂડ તેલની તેજી, રૂપિયાની નબળાઇ, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણોનો પણ ખચકાટ હતો. પેટ્રોલીયમ ચીજો મોંઘી થાય તો મોંઘવારીનો પડકાર ઉભો થવાની ભીતિ વ્યક્ત થતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અત્યાર સુધી મુખ્યત્વે યુધ્ધના ઘટના ક્રમ પર ફોક્સ હતું. હવે ભારતીય અર્થ તંત્ર પર પણ મીટ મંડાવા લાગી છે. ટુંકા ગાળામાં માર્કેટને નવા સારા કારણ મળવા મુશ્કેલ છે એટલે મંદીમાં ધકેલાવા લાગ્યું છે.
શેરબજારમાં મંદી બજારે ઓઇલ ઇન્ડિયા, ઓનએનજીસી, બાયોકોન, હિન્દુસ્તાન ઝીંક, ભારતી એરટેલ, પોલીકેબ, લોટસ લેબ જેવા શેરો ઉંચકાયા હતા. જ્યારે જેએસડબલ્યૂ એનર્જી, અદાણી ગ્રીન, રીલાયન્સ, વોડાફોન, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, યસ બેંક, સુઝલોન, વેલસ્પન, એચસીએલ ટેકનો, ટીસીએસ, ઝેનસર ટેકનો, ઇન્ફોસીસ, પતંજલી, ટાટા કેપીટલ, વારી એનર્જી વગેરેમાં ગાબડા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1444 પોઇન્ટના કડાકાથી 74570 હતો તે ઉંચામાં 75741 તથા નીચામાં 74449 હતો. ઇન્વેસ્ટરોના પાંચ લાખ કરોડનું ધોવાણ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 428 પોઇન્ટ ગગડીને 23387 હતો તે ઉંચામાં 23757 તથા નીચામાં 23348 હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયામાં ધોવાણ ચાલુ રહ્યું હતું અને વધુ 32 પૈસા તૂટીને 95.64ના તળીયે ધસી ગયો હતો.
ક્રૂડતેલમાં તેજીનો દોર હોય તેમ ભાવ વધુ ઉછાળા હતા. ડબલ્યુટીઆઇ ક્રૂડ 101.02 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 106.86 ડોલર હતું. સોના-ચાંદીમાં પણ તેજી હતી. સોનુ 1550 વધીને 156800 હતું જ્યારે ચાંદી 2.74 લાખ થઇ હતી. વિશ્ર્વબજારમાં ચાંદી 84 ડોલર થઇ હતી.
