ક્રિકેટની નર્સરી એવા પોરબંદરમાં ઉભરતી પ્રતિભાઓને નિષ્ણાંતો દ્વારા અપાયુ માર્ગદર્શન
ગાંધીભૂમિના ક્રિકેટ ઇતિહાસની સુંદર ઝાંખી થઇ પ્રસ્તુત: ભૂતપૂર્વ ક્રિકેટરોને સ્મૃતિચિહ્ન થયા અર્પણ
પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ક્રિકેટ સમરકેમ્પનું સમાપન થયુ છેે.
ભારતીય ક્રિકેટને નવરત્નો આપનારી પોરબંદરની પાવન ધરતી પર ે ક્રિકેટનો વધુ એક અધ્યાય ઉજવાયો હતો. પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત ઐતિહાસિક દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સમર કોચિંગ કેમ્પનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કર્મઠ પ્રમુખ દીપકભાઈ લાખાણી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, યુવા ઉપપ્રમુખ પવનભાઈ શિયાળ, ક્રિકેટપ્રેમી કેયુરભાઈ શાહ તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોરબંદરનું નામ રોશન કરનાર ઓમાન ક્રિકેટ ટીમના કેપ્ટન અજયભાઈ લાલચેતાની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
ભાવભીની શરૂઆત
અને શાબ્દિક ઝાંખી
સમારોહનો આરંભ અત્યંત ભાવુક ક્ષણોથી થયો. કોરોના મહામારીના કપરા કાળમાં આપણને છોડી ગયેલા પોરબંદરના ભૂતપૂર્વ ક્રિકેટરો અને એસોસિએશનના સ્વ. સભ્યોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગીતના સૂરોથી ગુંજી ઉઠ્યું અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર અને પોરબંદરના ક્રિકેટ જગત વિષે ઉંડાણથી જ્ઞાન ધરાવનારા રાજેશભાઈ જાડેજાએ પોતાની આગવી શૈલીમાં પોરબંદરના ઐતિહાસિક સુવર્ણ ક્રિકેટ ઇતિહાસને શબ્દો દ્વારા જીવંત કર્યો. રણજી ટ્રોફી સુધીની સફર અને પોરબંદરે દેશને આપેલા ખેલરત્નોની વાત સાંભળી ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
એસોસિએશનના ઉત્સાહી સેક્રેટરી હિતેશ સોનેરીએ પોતાના વક્તવ્યમાં પધારેલા તમામ મહાનુભાવોને ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ નાના-નાના ખેલાડીઓના કુમળા હાથે મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું, જે દૃશ્ય ખૂબ જ મનોહારી હતું.
સમારોહની સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે એસોસિએશન દ્વારા પોરબંદરના જે ભૂતપૂર્વ ખેલાડીઓએ પોતાનું યૌવન ક્રિકેટને સમર્પિત કર્યું હતું, તેમને મંચ પર બોલાવી સ્મૃતિચિહ્ન અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યું. આ સમયે અનેક ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
ત્યારબાદ સમર કેમ્પમાં ભાગ લઈ ક્રિકેટના પાઠ શીખેલા 80 થી વધુ નાના-મોટા ખેલાડીઓને પ્રમુખ દીપકભાઈ લાખાણી, પ્રમુખ રણછોડભાઈ શિયાળ અને કેપ્ટન અજયભાઈ લાલચેતાના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
પ્રમુખ દીપકભાઈ લાખાણીએ ખેલાડીઓને સંબોધતા કહ્યું, પોરબંદરની માટીમાં ક્રિકેટ છે. દુલીપસિંહજીના નામથી જ આ ગ્રાઉન્ડનું નામ પડ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પોરબંદરની પ્રતિભાઓને આગળ લાવવા હંમેશા કટિબદ્ધ છે. આવા કેમ્પ જ ભવિષ્યના ચેતેશ્ર્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ તૈયાર કરશે. ખેલાડીઓએ મહેનત, અનુશાસન અને રમતદિલીને વરેલા રહેવું.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, કોચ, ખેલાડીઓ અને મોટી સંખ્યામાં પધારેલા વાલીઓએ પ્રીતિભોજનનો લાભ લઈ ક્રિકેટની ચર્ચાઓ કરી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
