રાજકોટમાં મેઘરાજાની સટાસટી : કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ

વરસાદની સાથે મિની વાવાઝોડથી વૃક્ષો ધરાશાયીુ, હોર્ડીંગ અને સોલાર પેનલો ઉડી

શહેરના રસ્તાઓ પર ખળ ખળ નદીયું વહી : રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ પર 1 થી 2 ફુટ પાણી ભરાયા: ગરમીથી ત્રાસેલા લોકો વરસાદમાં ન્હાવા નીકળી પડયા : ભગવતીપરામાં કાચા મકાનો તૂટી પડતા એકને ઇજા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, 26
અસહ્ય બફારા વચ્ચે આજે રાજકોટમાં બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાનું ધૂમ ધડકાભેર આગમન થયું હતું. એક કલાકમાં 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. મિનિ વાવાઝોડા સાથે આવેલા વરસાદથી અનેક હોડીંગ બોર્ડ તો કયાંક સોલનાર પેનલો ઉડી ગઇ હતી. વૃક્ષો ધરાશયી થયા હતા. કેટલાક સ્થળે વૃક્ષો વાહનો પર પડતા વાહનોને નુકશાન થયું હતું. એક વ્યકિતને ઇજા થઇ હતી. વિજળીના કડાકા ભડાકા એટલા તો તિવ્ર હતા કે બિલ્ડીંગો ધુ્રજી ઉડી હીત. ભગવતી પરામાં વાવાઝોડાથી, ભારે વરસાદથી કાચા મકાનો ધરાશાયી થયા હતા. રૈયાર રોડ, સાધુ વાસવાણી રોડ, રામાપીર ચોકડીએ 1 થી 2 ફુટ પાણી ભરાયા હતા.
ધોધમાર વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ નજીકના લોધિકા અને ખીરસરા ગામોમાં વરસાદને પગલે શેરીઓમાં પાણી ભરાયા હતા.
આજે વરસેલા વરસાદને પગેલે શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રસ્તા પર બે-બે ફૂટ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગોકુલનગર અને સાધુવાસવાણી રોડ પર પણ એકથી બે ફૂટ પાણી ભરાતા ટુ-વ્હિલરો બંધ પડતા લોકો પરેશાન થયા હતા. લોકોએ બાઇક દોરીને લઇ જવાનો વારો આવ્યો હતો. તેમજ અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા લોકો વરસાદમાં ન્હાવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા.
રામાપીર ચોકડીએ રસ્તા પર પાણી ભરાયું હતું. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પર બે-બે ફૂટ પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે શહેરના ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ હતી. આ ઉપરાંત શ્રોફ રોડ પર એક વૃક્ષ દીવાલ પર ધરાશાયી થયું હતું. તેમજ ગેલેક્સી ટોકીઝ પાસે વૃક્ષ ધરાશાયી થઇ એક કાર પડ્યું હતું. જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે ફાયરબ્રિગેડ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો રસ્તાઓ પર હટાવવાની કામગીરી હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રિંગરોડ, મવડી, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા. બીજી બાજુ કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલ સામે મુખ્ય રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ થયો હતો. જોકે આ અંગે જાણ થતા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દોડી ગઈ હતી અને રસ્તા પરથી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી છે.
ગોકુલનગર વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા. હતા. ધોળા દિવસે વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમામાંથી રાહત મેળવી છે. તેમજ આજે રવિવારની રજા હોય લોકો વરસાદમાં ન્હાવા માટે બાઇક પર નીકળી પડ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાતા ટુ-વ્હિલરો બંધ પડી જતા લોકો પરેશાન બન્યા હતા. લોધિકા તાલુકામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખીરસરા ગામમાં ધોધમાર વરસાદથી શેરીઓમા પાણી ભરાયા હતા. કુવાડવા રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું અને શિવધારા સોસાયટીમાં છત પરથી સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. રાજકોટના ટેલિફોન એક્સચેન્જ પાસે પાણી ભરાયા હતા.
રાજકોટમાં આજે મિની વાવાઝોડાના સંગાથે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ધોધમાર વરસાદ ખાબકતા માર્ગો નદી બની ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મિનિ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ