તમામ પ્રશ્ર્નો ટેકસ બુકમાંથી બેઠે બેઠા પુછાતા છાત્રો ખુશખુશાલ: એક પણ કોપી કેસ નહીં
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પાંચ દિવસની રજાઓ બાદ આજે સવારના સેશનમાં ધો.10નું બેઝીક ગણીત વિષયનું પેપર લેવામાં આવેલ હતું. જે ટેકસબુક આધારીત બ્લુ પ્રિન્ટ મુજબનું સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની જવા પામેલ હતા. બેઝીક ગણીત વિષયના આ પેપરમાં રાજકોટ જીલ્લામાં 39476 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 38766 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 154 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જયારે 746 વિદ્યાર્થીઓ આજના આ પેપરમાં ગેરહાજર રહ્યા હતા.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગણીત વિષયને અઘરો માનવામાં આવે છે પરંતુ આજના આ બેઝીક ગણીત વિષયના પેપરમાં તમામ દાખલાના પ્રશ્ર્નો બેઠેબેઠા પૂછી નાખવામાં આવતા વિદ્યાર્થીઓને મજા પડી જવા પામી હતી. આ પેપરમાં સેલ્સ અને 10.2નું પ્રમય પૂછવામાં આવેલ હતો. જયારે રાઈડરનો પ્રશ્ર્ન આજના આ પેપરમાં પુછવામાં આવેલ ન હતો. ધોરણ 10નું આ ગણીતનું પેપર સહેલુ નીકળતા વિદ્યાર્થીઓમાં રાહત થવા પામી હતી.
જયારે બપોરના સેશનમાં પરીક્ષા કેન્દ્રો પરથી ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી દ્વિતીય ભાષાનું તેમજ સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહ્યું છે. સવારના સેશનમાં લેવાયેલ ધો.10ના બેઝીક ગણીતના પેપર દરમ્યાન રાજકોટ શહેર જીલ્લામાં એક પણ કોપીકેસ થવા પામેલ ન હતો. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિના બનાવો ડામવા માટે મુકાયેલ ફલાઈંગ સ્કવોડ દ્વારા પરીક્ષા કેન્દ્રની રાઉન્ડ ધ કલોક તપાસણી ધરવામાં આવી રહી છે.
