રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ નામની નવી પહેલ શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર થતી અસરને ધ્યાનમાં રાખીને આ પહેલ અમલમાં મૂકવામાં આવશે.
આ પહેલ અંતર્ગત રાજ્યભરમાં કાર્યરત વિવિધ મોનિટરિંગ સિસ્ટમોને એકીકૃત કરીને એક સંકલિત અને ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા શહેરોમાં આવેલા તળાવો તેમજ હવાની ગુણવત્તા અંગેની માહિતી રિયલ-ટાઈમમાં ઉપલબ્ધ બનશે, જેથી સમયસર ચેતવણી મળ્યા બાદ સંબંધિત વિભાગો તાત્કાલિક કાર્યવાહી કરી શકશે. અંદાજે રૂા.10 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે.
શહેરોમાં આવેલા તળાવોમાં કાંપ ભરાવ, ગંદકી અને પાણીની ગુણવત્તામાં ઘટાડો જેવી સમસ્યાઓ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહી છે. લેક એન્ડ એર વોચ પહેલ હેઠળ સેટેલાઇટ ટેક્નોલોજી અને ડિજિટલ વિશ્ર્લેષણના આધારે તળાવોના વિસ્તાર, ગંદકીના સંકેતો તેમજ શેવાળ જેવી પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ તળાવમાં પ્રદૂષણ કે અન્ય જોખમના સંકેતો જોવા મળશે તો સંબંધિત તંત્રને તાત્કાલિક એલર્ટ મોકલાશે.
આ ઉપરાંત રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવાની યોજના છે. આ ઉપકરણો દ્વારા હવાની ગુણવત્તા સૂચકાંક (અચઈં) અંગેની માહિતી સતત પ્રાપ્ત થશે. અચઈંમાં અચાનક વધારો નોંધાય તો આપમેળે એલર્ટ જનરેટ થશે, જેના આધારે પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લઈ શકાય. પ્રોજેક્ટ અંતર્ગત તળાવો અને હવાની ગુણવત્તા અંગે એકત્ર થતી માહિતી રાજ્ય કક્ષાના ડિજિટલ ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે. આ ડેશબોર્ડમાં મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને કાર્યવાહી અંગેની વિગતો દર્શાવવામાં આવશે. પરિણામે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને પર્યાવરણ સંરક્ષણ માટે ઝડપી અને અસરકારક કામગીરી શક્ય બનશે. સાથે સાથે નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ બનતા પર્યાવરણ અંગેની જનજાગૃતિમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
