માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો: રાજકોટ 40.9 ડિગ્રી સાથે રાજયમાં સૌથી ગરમ
રાજયમાં અખાત્રીજથી બે દિવસ સુધી એટલે કે રવિવાર અને સોમવારે માવઠાની આગાહી કરી હતી. અખાત્રીજના દિવસે સૌરાષ્ટ્રમાં આથમણા પવન ફુંકાતા ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે આવ્યો હતો. તો બીજી તરફ આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેવાનો વર્તારો ધરતીપુત્રોએ આપ્યો હતો.
અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી દિશામાંથી પવન વાતા વનરાજી ખીલી ઉઠે નો વરતારો આપ્યો હતો.
વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ ની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. સાથે સાથે વાયવ્ય દિશામાંથી પવનની ફણગીઓ આવતા વાવણી લાયક વરસાદ વહેલા થવાની પૂર્ણ શક્યતા છે. એકંદરે આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઉઠે” તેવો વરતારો થાય. ચોમાસા ની શરૂઆત તથા મધ્ય ભાગમાં ખૂબ સારા વરસાદની શક્યતા જાણકારો માની રહ્યાં છે. વાયવ્યના પવનને કારણે આ વર્ષે વાવણી લાયક વરસાદ વહેલો થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. વધુમાં સવારે પાંચ વાગ્યે નૈઋત્ય દિશામાંથી પણ પવનની ફણગીઓ આવતા ચોમાસાના અંત ભાગમાં વરસાદ ખેંચાવો તેમજ ખંડવૃષ્ટિ ની શક્યતા અભ્યાસુઓ માની રહ્યા છે. બગસરા થી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા અનુસાર મધ્યમ ચોમાસાનાં કુદરતી અણસાર મળેલ છે ત્યારે પાક અને પાણીની સ્થિતિ સારી રહે તેવી શ્રદ્ધા રાખીએ.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના શહેરોમાં તાપમાનમાં એકથીબે ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ 40.9 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે.
કયા શહેરમાં કેટલું તાપમાન
શહેર તાપમાન
રાજકોટ 40.9
ભાવનગર 37.8
ભુજ 39.4
દીવ 36.3
દ્વારકા 30.6
કંડલા 34.8
નલીયા 34
ઓખા 32.8
પોરબંદર 33.7
વેરાવળ 32.3
