રાજયમાં ગરમીનું ટોર્ચર: અમરેલી 44.પ, રાજકોટ 44.4 ડીગ્રીએ ભઠ્ઠીમાં ફેરવાયા

સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં મતદાનના દિવસે કાળઝાળ ગરમીથી મતદાન મથકો-રસ્તાઓ સુમસામ બન્યા

અમદાવાદ 44.8 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર

રાજયમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવીત થયું છે. રાજકોટ શહેરમાં હીટવેવથી રસ્તાઓ સુમસામ બન્યા હતા. ત્યારે કાળઝાળ ગરમીથી બચવા કબુતરોએ પાણીના કુંડાનો સહારો લીધો હતો. (ફોટો: પ્રવિણભાઇ સેદાણી)

રાજયમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. રવિવારે સ્થાનીક સ્વરાજની ચુંટણીના મતદાનના દિવસે રાજય હિટવેવની ઝપેટમાં આવ્યું હતું. રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થયો છે. જયારે 11 શહેરમાં પારો 40 ડીગ્રીને પાર થયો છે. જેમાં અમદાવાદ 44.8 ડીગ્રી સાથે રાજયમાં સૌથી ગરમ તો અમરેલીમાં 44.પ ડીગ્રી, રાજકોટમાં 44.4 ડીગ્રી, સુરેન્દ્રનગર 44.3 ડીગ્રી જોવા મળ્યું હતું. હજુ સોમવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ રહેશે.
રાજયના હવામાન વિભાગે તા. ર8 ને મંગળવાર સુધી હીટવેવની આગાહી કરી છે. આગાહીના પગલે રાજયમાં રવિવારના દિવસે સુર્યનારાયણનો આકરા તાપમનું ટોર્ચર નગરજનોએ અનુભવ્યો હતો. રવિવારે રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થતા જનજીવન પ્રભાવીત થયું હતુ.
સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં મતદાનના દિવસે જ અમદાવાદમાં પારો 44.8 ડીગ્રી, અમરેલીમાં 44.પ ડીગ્રી, રાજકોટમાં 44.4 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 અને ગાંધીનગરમાં 44.ર ડીગ્રી તાપમાન થતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે રસ્તા અને મતદાન મથકો સુમસામ જોવા મળ્યા હતા.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે પણ રાજયમાં આકરી ગરમીનું ટોર્ચર જોવા મળશે. જયારે મંગળવારથી વાતાવરણમાં બદલાવ આવતા તાપમાનનો પારો ર ડીગ્રી સુધી ગગડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અમુક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવામાનની અસર અનુભવાશે.
હવામાન વૈજ્ઞાનીક પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જીલ્લામાં હીટવેવની અસર જોવા મળી હતી. જયારે સોમવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ટોર્ચર જોવા મળશે.
અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ર8 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. રાજયના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે. 11 થી ર0 મે દરમિયાન ઇરાન તરફથી કાળી આંધી આવશે. 1પ મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાતની શકયતા છે. 17 મેથી ર0 જુન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડાના સંકેત છે. ર3 મેથી દરીયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછળશે.
ભાવનગર
રવિવારે ભાવનગરમાં કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીની અસર આજે યોજાયેલ ચૂંટણીના મતદાન પર પણ પડી હતી. ગરમીને કારણે લોકો ઘરમાં જ રહેતા રાજકીય પક્ષો આગેવાનોએ રીક્ષાઓ ફેરવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવી પડી હતી. રવિવારે ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 41.6 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 26 ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 16 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.મોડી સાંજ સુધી ગરમ લૂ ફેંકાઈ હતી અને ભાવનગરવાસીઓ તોબા પોકારી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ