ચોટીલા પાસે પગપાળા વિહાર કરતા જૈન સાધુ ઓમકાર શેખરવિજયજીને વાહને ઠોકરે લેતા કાળધર્મ પામ્યા

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર : ચોટીલામાં પાલખી યાત્રા નિકળી : ગામ લોકોએ શોકમાં બંધ પાળ્યો

હાઈવે પર વિહાર કરતા સંતો-પદયાત્રીઓ માટે ક્યારે પગદંડી બનશે ?

ચોટીલા-નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક જોલી એન્જોય પાસે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાપર ઉપાશ્રય ખાતે રાત્રિ નિશ્રા પૂર્ણ કરી વહેલી સવારે 3 ટુકડીઓમાં ચોટીલા તરફ વિહાર કરી રહેલા દેરાવાસી જૈન સમાજના સુપ્રસિદ્ધ સાધુ મહારાજ પંન્યાસપ્રવર ૐકારશેખરવિજય મણિવર્ય મ.સા. (ઉંમર વર્ષ 51 , દીક્ષા પર્યાય 26 વર્ષ, પન્યાસપદ પર્યાય 6 વર્ષ) ને કોઈ અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારી હતી. વહેલી સવારે 6:00 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં ગુણિવર્ય સાધુ મહારાજને ગંભીર ઈજાઓ પહોંચતા ચોટીલા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને કાળધર્મ પામેલા જાહેર કર્યા હતા.
પૂજ્ય મહારાજ સાહેબ પ્રેમ-ભુવન ભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ પ.પૂ. આચાર્ય અજિતશેખરસૂરિ મહારાજાના પરમ શિષ્ય હતા.
આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ ચોટીલા જૈન સમાજ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન અને તેના ચાલક વિરુદ્ધ ગૃહ વિભાગ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
પરમ પૂજ્ય સાધુ મહારાજના દેહત્યાગના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર જૈન શાસન અને જૈનેતર ધર્મપ્રેમી જનતામાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. દિવ્ય ભગવંત પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ચોટીલા શહેરના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ સજ્જડ બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જૈન વિધિ-વિધાન મુજબ પૂજ્યશ્રીના નશ્વર દેહને જૈન ભુવન ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં હજારો ભાવિકોએ દર્શનાંજલિનો લાભ લીધો હતો.
બપોર બાદ જૈન ભુવનથી બેન્ડવાજા અને ’જય જય નંદા, જય જય ભદ્દા’ ના ગગનભેદી નાદ સાથે પૂજ્યશ્રીની ભવ્ય પાલખી યાત્રા (વરઘોડો) નીકળી હતી. અંતિમ સંસ્કાર વિધિ માટે ધાર્મિક પરંપરા અનુસાર વિવિધ ઉછામણીઓ બોલાઈ હતી. ત્યારબાદ ચોટીલા મુળાવાવ ચામુંડા માતાજીના મંદિર નજીક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ કાળધર્મની ઘટનાથી શોકાતુર બનેલા મુંબઈ વસતા મહારાજ સાહેબના સાંસારિક પરિવારજનો ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના શાસનરત્ન કુમારપાળભાઈ શાહ, કલ્પેશભાઈ વી. શાહ, જયેશભાઈ તેમજ સિરોહી (રાજસ્થાન) કલ્યાણજી પરમાનંદજી પેઢી, રાજકોટ, સુરેન્દ્રનગર, માણસા અને લીંબડી સહિતના અનેક શહેરોના જૈન સંઘો, શ્રાવક-શ્રાવિકાઓ અને મુંબઈથી વિશાળ સંખ્યામાં ગુરુભક્તો ચોટીલા ખાતે દોડી આવ્યા હતા.

ગંભીર સવાલ: પદયાત્રીઓ માટે પગદંડી ક્યારે બનશે?
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાભેર જતા લાખો પદયાત્રીઓ અવારનવાર હાઈવે પર અકસ્માતનો ભોગ બને છે. ભૂતકાળમાં સરકારના અનેક નેતાઓ દ્વારા હાઈવે પર પદયાત્રીઓ માટે વિશેષ ’પગદંડી’ બનાવવાની જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ વાતો કાં તો વિસરાઈ ગઈ છે અથવા તંત્રમાં ગંભીરતાનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ